×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જિલ્લામાં સૌથી વધુ સુરતનો અને જાતિમાં કોળી-પટેલનો દબદબો

અમદાવાદ, 12 ડિસેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પાર્ટીએ રાજ્યમાં 156 બેઠકો જીતી હતી. ગુજરાતમાં કોઈપણ પક્ષનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપની આ જીત બાદ આજે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ભાજપે ચૂંટણી પહેલા જ સીએમ ચહેરા તરીકે તેમના નામની જાહેરાત કરી દીધી હતી. ભૂપેન્દ્ર પટેલ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આજે બીજી વખત ભૂપેન્દ્ર પટેલની તાજપોશી કરવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલની સાથે 16 વધુ ધારાસભ્યોએ પણ શપથ લીધા. આ અગાઉ ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં છેલ્લી મુદત માટે શપથ લીધા હતા. ભાજપે ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને શક્તિ પ્રદર્શનનો પણ પ્રયાસ કર્યો હતો. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

33 જિલ્લામાંથી 12ને પ્રતિનિધિત્વ
ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. આ મંત્રીમંડળમાં ભુપેન્દ્ર પટેલની જૂની સરકારના ૪ મંત્રી રીપીટ થયા હતા જયારે ૧૫ મંત્રીઓ કપાયા હતા.  ગુજરાતના 33 જીલ્લાઓમાંથી 12 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું હતું. ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં કોળી, પટેલ, ક્ષત્રિય, ઓબીસી, એસટી, એસસી જૈન તેમજ અનાવિલ સમાજના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.  

હાર્દિક પટેલ અને અલ્પેશને સ્થાન મળ્યું નથી
મંત્રીઓની આ યાદીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું નથી. જો કે આ અંગે હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, હું ખૂબ જ યુવા ધારાસભ્ય છું. હું પાર્ટી માટે કામ કરવામાં માનું છું. કેબિનેટમાં કોને રાખવા કે નહીં તે પક્ષે નક્કી કરવાનું છે. મને જે પણ જવાબદારી આપવામાં આવશે તે હું ખુશીથી સ્વીકારીશ.

જાતિ સમીકરણ:
કોળી - 4
પટેલ - 4
ક્ષત્રિય - 1
ઓબીસી - 1
એસટી -૩
એસસી - 2
જૈન - 1
અનાવિલ - 1

વિસ્તાર અનુસાર પ્રતિનિધિત્વ:
અમદાવાદ -2
વલસાડ -1
મહેસાણા - 1
જામનગર - 1
પાટણ - 1
રાજકોટ - 2
દ્વારકા - 1
અરવલ્લી - 1
સુરત - 4
ભાવનગર - 1
પંચમહાલ - 1
દાહોદ - 1

શપથ ગ્રહણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન 
આ શપથવિધિના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ, એમપી સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હેમંત બિસ્વા સરમા સહિત ભાજપ શાસિત રાજ્યોના 12 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત 5 રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ, 7થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ પટેલના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા.