×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભીષણ વાવાઝોડામાં ફેરવાયું 'યાસ', કોલકાતા એરપોર્ટ કરવામાં આવ્યું બંધ


- વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે 26 અને 27 મેના રોજ સૂચિબદ્ધ કરાયેલી તમામ કેસની સુનાવણી રદ્દ કરી

નવી દિલ્હી, તા. 26 મે, 2021, બુધવાર

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા યાસ વાવાઝોડાએ મંગળવારે ખૂબ જ ભયંકર તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાવાઝોડું બુધવારે સવારના સમયે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા બંદરે અથડાઈ શકે છે. વાવઝોડું અથડાય તે પહેલા અને પછી આશરે 6 કલાક સુધી તેની અસર રહેશે.

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે 26 અને 27 મેના રોજ સૂચિબદ્ધ કરાયેલી તમામ કેસની સુનાવણી રદ્દ કરી દીધી છે. આગામી દિવસોમાં સંબંધિત પીઠ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવશે. બંને દિવસ કોર્ટ ન પહોંચે તે કર્મચારીઓને અનુપસ્થિત નહીં માનવામાં આવે. 

પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચેતવણી બાદ બુધવાર સવારથી કોલકાતા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ બુધવારે સવારે 8:30 કલાકથી રાતના 7:45 કલાક સુધી સસ્પેન્ડ રહેશે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ભીષણ વાવાઝોડું યાસ બુધવારે બપોરના સમય સુધીમાં 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે ઓડિશાના કિનારે અથડાશે. 

8 રાજ્યો પર સીધી અસર

યાસ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે. જ્યારે ઝારખંડમાં બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે તથા બિહારના અનેક વિસ્તારોમાં ગુરૂવારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં પણ 26-27 મેના રોજ અનેક જગ્યાએ હળવા વરસાદની શક્યતા દર્શાવી છે. આ જ રીતે દક્ષિણમાં ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.