×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક જીતવા ખરાખરીનો જંગ જામશે


- ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 6 અને કોંગ્રેસનો 1 બેઠક પર વિજ્ય થયો હતો 

- આપ અને અપક્ષ ઉમેદવારોના પગલે હાર-જીતના સમીકરણ બદલાય શકે, ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, કેટલાક કામના વાયદા પૂર્ણ નહી કરાતા ભાજપ સામે નારાજગી 

ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે, જેમાં ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. મોટાભાગની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ૬ બેઠક પર અને કોંગ્રેસનો ૧ બેઠક પર વિજ્ય થયો હતો. કેટલીક બેઠક ભાજપના ઉમેદવારનો ઓછા મતે વિજ્ય થયો હતો. આપ સહિતની કેટલીક પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારોના પગલે હાર-જીતના સમીકરણ બદલાય શકે છે. ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ, અલંગ શીપબ્રેકીંગ યાર્ડ, પ્લાસ્ટીક ઉદ્યોગ, રોલીંગ મીલ વગેરે મુખ્ય ઉદ્યોગ છે. ખેતી સાથે પણ મોટો વર્ગ જોડાયેલ છે. ભાજપના રાજમાં ભાવનગર જિલ્લાનો જોઈએ તેવો વિકાસ થયો નથી તેથી ઘણા લોકોમાં નારાજગી છે. મોંઘવારી, બેકારી, ખેતી પાકના સારા ભાવ નથી મળતા સહિતના કેટલાક મુદ્દે લોકોમાં ભારે રોષ છે. આગામી તા. ૧ ડિસેમ્બરે મતદાન યોજાશે અને આગામી તા. ૮ ડિસેમ્બરે ચૂંટણી પરિણામ છે ત્યારે આ ખરાખરીના ચૂંટણી જંગમાં કોણ વિજેતા બને છે ? તેની રાહ જોવી જ રહી. 

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર બે ટર્મથી ભાજપનો વિજ્ય  

ભાવનગર પશ્ચિમ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી ચૂંટણી લડયા હતા, જેમાં પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલ સામે જીતુ વાઘાણીનો પરાજ્ય થયો હતો પરંતુ ત્યારબાદ બે ટર્મમાં જીતુભાઈએ કોંગ્રેસના ઉમેદવાર ડો. કાનાણી અને દિલીપસિંહ ગોહિલ સામે વિજ્ય મેળવ્યો હતો. જીતુભાઈએ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રીની મહત્વની જવાબદારી નિભાવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચોથીવાર વાઘાણીને ટિકિટ આપી છે અને તેની સામે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના અગ્રણી કિશોરસિંહ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આપમાંથી રાજુભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. પટેલ, ક્ષત્રિય અને કોળી સમાજના ઉમેદવાર વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. ભાજપના ઉમેદવાર વાઘાણીથી કેટલાક ભાજપના કાર્યકરો નારાજ હતા અને અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માંગણી કરી હતી પરંતુ પક્ષે નારાજ કાર્યકરની વાત નકારી કાઢી છે. ભાજપના ઉમેદવારના કામથી ઘણા લોકો ખુશ છે અને ઘણા લોકોમાં રોષ પણ હોવાની ચર્ચા છે. 

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો 

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક ભાજપના ગઢ સમાન છે અને આ બેઠક પર ૧૯૯૧થી ભાજપનો દબદબો યથાવત છે. છેલ્લી ૬ ટર્મથી ભાજપના ઉમેદવાર વિજેતા થઈ રહ્યા છે, જેમાં ૩ ટર્મ સુધી મહેન્દ્ર ત્રિવેદી વિજેતા થયા હતા અને તેઓ ભાજપની સરકારમાં પૂર્વ ગૃહમંત્રી હતાં. ત્યારબાદ તેઓના સ્થાને વિભાવરીબેન દવેને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ પણ આ બેઠક પરથી ત્રણ ટર્મ સુધી ચૂંટણી જીત્યા હતાં. તેઓ ભાજપ સરકારમાં પૂર્વ શિક્ષણ મંત્રી હતાં. પૂર્વ મહિલા ધારાસભ્યનો ભાજપના કાર્યકરોમાં વિરોધ હતો અને ધારાસભ્યની વિરૂધ્ધમાં રજુઆત પણ થઈ હતી. આ બેઠક પરથી પ૪ દાવેદારોએ ટિકિટ માંગી હતી, જેમાં બ્રહ્મ સમાજના વધુ દાવેદારો હતા તેથી પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવી નથી અને તેઓની જગ્યાએ ભાજપે સેજલબેન રાજીવભાઈ પંડયાને ટિકિટ આપી છે. રાજીવભાઈ ભાજપ શહેર પ્રમુખ હતા પરંતુ તેઓના પત્નીને ટિકિટ મળતા તેઓએ રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતની વરતેજ બેઠકના સભ્ય બળદેવ સોલંકીને ટિકિટ આપી છે, તેઓ કોળી સમાજમાંથી આવે છે અને આ બેઠક પર કોળી સમાજના મત સૌથી વધુ છે. આપ પાર્ટીએ હમીર રાઠોડને ટિકિટ આપી છે, તેઓ ભરવાડ સમાજમાંથી આવે છે. આ બેઠક પર ફરી ભાજપનો વિજ્ય થાય છે કે નહી ? તે જોવુ જ રહ્યું. 

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પાંચ ટર્મથી ભાજપના ઉમેદવારનો વિજ્ય 

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ સોલંકી વિજેતા થઈ રહ્યા છે તેથી ભાજપ પક્ષે છઠ્ઠીવાર તેઓને ટિકિટ આપી છે. તેઓ ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી છે અને કોળી સમાજના અગ્રણી છે. આ બેઠક પર કોળી સમાજના સૌથી વધુ મત છે અને બીજા ક્રમે ક્ષત્રિય સમાજના મત છે તેથી મોટાભાગે આ બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામતો હોય છે. કોંગ્રેસે આ બેઠક પરથી રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે, જયારે આપ પાર્ટીએ ખુમાનસિંહ ગોહિલને ટિકિટ આપી છે. કોંગ્રેસ અને આપના ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી આવે છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવારે ખુબ જ મહેનત કરવી પડશે તેમ ચર્ચાય રહ્યુ છે. ભાવનગર ગ્રામ્ય બેઠકમાં ઘોઘા તાલુકા, ભાલ પંથક અને સિહોર શહેર તેમજ કેટલાક ગામનો સમાવેશ થાય છે. આ વિસ્તાર ખુબ જ લાંબો છે તેથી ઉમેદવારોને દોડધામ વધી જતી હોય છે. 

મહુવા વિધાનસભા બેઠકમાં પુનરાવર્તન કે પરિવર્તન ? 

અરબી સમુદ્રના કિનારે વસેલું મધુમતી નગરી એટલે મહુવા શહેર. મહુવા શહેર આમ તો નાળિયેર નેતા અને ડુંગળીથી ખૂબજ જાણીતું છે. નેતાઓની જો વાત કરીએ તો ૧૯૫૨માં જશવંત મહેતા પ્રથમ ચૂંટણી લડયા અને જીત્યા પણ ત્યાર બાદ છબીલદાસ મહેતા. વજુભાઈ જાની જેવા નેતાઓએ સીએમ, ગૃહ મંત્રી તેમજ અન્ય મંત્રી પદોની જવાબદારી પણ નિભાવી હતી પરંતુ ત્યારબાદ કહી શકાય કે ભાજપનો ઉદય થયો અને છબીલદાસ મહેતાની સામે કનુભાઈ કળસરિયાને ભાજપે મેદાનમાં ઉતાર્યા ત્યારથી આ સીટ પર ભાજપનો જ કબજો રહ્યો છે. નિરમા સામેના આંદોલન બાદ કનુભાઈએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને નવો પક્ષ બનાવ્યો હતો. આ ચૂંટણી કનુભાઈ કળસરિયા કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓ આહીર સમાજમાંથી આવે છે. તેઓ ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષમાંથી ચૂંટણી લડયા હતા અને બીજા ક્રમે રહ્યા હતાં. ભાજપના ઉમેદવાર રાઘવજી મકવાણાનો આશરે પ હજાર મતે કનુભાઈ સામે વિજ્ય થયો હતો. ગત ટર્મમાં મહુવામાં ચાર ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભાજપે પૂર્વ મંત્રી રાઘવજી મકવાણાની ટિકિટ કાપી છે અને તેઓની જગ્યાએ તળાજા બેઠક પરથી ત્રણ વિધાનસભાની ચૂંટણી જીતેલા શિવાભાઈ ગોહિલને ટિકિટ આપી છે. તેઓ કોળી સમાજમાંથી આવે છે. આપ પાર્ટીમાંથી અશોક જોળીયા ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ પણ કોળી સમાજમાંથી આવે છે. મહુવા તાલુકા પંચાયત, નગરપાલિકા વગેરે ભાજપ પાસે છે અને સત્તાધીશના કામને લઈ અનેક વિવાદ ઉઠયા છે. ગટર અને સફાઈના કામને લઈ લોકોમાં નારાજગી છે. મહુવા વિધાનસભા બેઠકમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન ? તેની રાહ જોવી જ રહી. 

તળાજા વિધાનસભા બેઠકમાં બહુમત 30 % કોળી બહુમતી છતાંય પચરંગી બેઠક 

ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠક પર તળપદા કોળી સમાજ બહુમત છે છતા ગત ચૂંટણીમાં ભાજપના કોળી સમાજના ઉમેદવાર ગૌતમ ચૌહાણનો આશરે ૧૮૦૦ મતે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયા સામે પરાજ્ય થયો હતો. કનુભાઈ પલેવાળ બ્રાહ્મણ છે અને તેઓની વસતી કોળી સમાજની સરખામણીએ ઘણી ઓછી છે. ભાવનગર જિલ્લાની ૭ બેઠકમાંથી તળાજાની એક માત્ર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાનો વિજ્ય થયો હતો તેથી કોંગ્રેસે તેઓને ફરી મેદાનમાં ઉતાર્યા છે, જયારે ભાજપે ફરી ગત ટર્મના ઉમેદવારને તક આપી છે. આપ પાર્ટીએ લાલુબેન ચૌહાણને ટિકિટ આપી છે. તેઓ કોળી સમાજમાંથી આવે છે અને જિલ્લા પંચાયતના સભ્ય છે. તળાજા બેઠકમાં ચૂવાળીયા કોળી સમાજના આગેવાનોએ આ વખતે કોઈ એક રાજકીય પાર્ટીને સમર્થન ના આપીને અપક્ષ ફોર્મ ભરવું અને જ્યાં અપક્ષ ઉમેદવારી ના થાય ત્યાં નોટામાં મત આપવો તેવી જાહેર અપીલ કરી છે. આ બેઠક પર તળપદા કોળીના મતો ત્રીસેક ટકા છે તેવો દાવો કરવામાં આવે છે, તેમ છતાંય આ બેઠકને પચરંગી માનવામાં આવે છે. અહી તળપદા કોળી બાદ સમસ્ત બ્રહ્મ સમાજના મતદારો આશરે બાવીસ હજાર જેટલા છે, ત્યારબાદ આહીર, ક્ષત્રિય, ભરવાડ, ખરક, કારડીયા રાજપૂત, મુસ્લિમ, દલિત સહિતનો સમાવેશ થાય છે. આ બેઠક પર ખરાખરીનો ત્રિકોણીયો જંગ જામશે તેમ જણાય રહ્યુ છે. 

ગારિયાધાર બેઠક પર 6 ટર્મથી ભાજપના એક ઉમેદવારનો વિજ્ય 

ગારિયાધાર વિધાનસભા બેઠક પર છેલ્લી ૬ ટર્મથી ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીનો વિજ્ય થઈ રહ્યો છે તેથી ભાજપે તેઓને ફરી ટિકિટ આપી છે. તેઓ પટેલ સમાજમાંથી આવે છે. ગારિયાધાર બેઠક પર કોળી સમાજની વસતી સૌથી વધુ છે અને બીજા ક્રમે પટેલ સમાજની વસતી છે તેમ છતા અહી પટેલ સમાજના ઉમેદવાર સતત વિજય મેળવી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેેસે દિવ્યેશ ચાવડાને ટિકિટ આપી છે અને તેઓ કોળી સમાજમાંથી આવે છે. તેઓના પિતા મનુભાઈ ચાવડા કોળી અગ્રણી છે. આપ પાર્ટીએ સુધીર વાઘાણીને ટિકિટ આપી છે, તેઓ પટેલ સમાજમાંથી આવે છે. આ બેઠક પર ગત ટર્મમાં ભાજપના ઉમેદવાર નાકરાણી કોંગ્રેસના ઉમેદવાર ખેની સામે આશરે ર હજાર મતથી જીત્યા હતાં. પાટીદાર આંદોલનની અસર આ સીટ પર જોવા મળી હતી. આ બેઠક પર બે પટેલ સમાજના ઉમેદવાર અને એક કોળી સમાજના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ત્રિપાંખીયો જંગ જામશે. આ વિસ્તાર લોકો ખેતી અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલ છે. ૬ ટર્મથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે છતા ખાસ વિકાસ થયો નથી તેથી લોકોમાં નારાજગી છે. સિંચાઈ યોજના, જીઆઈડીસી ઉદ્યોગ, રેલવે વગેરે સુવિધાને લગતા પ્રશ્નો લોકોને મુંઝવી રહ્યા છે. 

તિર્થનગરી પાલિતાણામાં ફરી ભાજપનો વિજ્ય થશે કે નહી ? 

પાલિતાણા તિર્થનગરી તરીકે ઓળખાય છે. પાલિતાણા શેત્રુંજ્ય પર્વત પર જૈન દેરાસરો આવેલા છે તેથી અહી દર્શન માટે જૈન સમાજ મોટી સંખ્યામાં આવતો હોય છે. પાલિતાણા વિધાનસભા બેઠક પર ગત વર્ષ ર૦૧રમાં કોંગ્રેસના પ્રવિણ રાઠોડનો વિજ્ય થયો હતો. ગત વર્ષ ર૦૧૭માં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ રાઠોડનો પરાજ્ય થયો હતો અને ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો વિજ્ય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેેસે ફરી આ બંને ઉમેદવારને તક આપી છે. આ બંને ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે. આપ પાર્ટીએ ડો. ઝેડ.પી.ખેનીને ટિકિટ આપી છે, તેઓ પટેલ સમાજમાંથી આવે છે. બે કોળી સમાજના ઉમેદવાર અને એક પટેલ સમાજના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જીતવા રસાકસી જામશે તેમ જણાય રહ્યુ છે. આ બેઠક પર કોળી, પટેલ, ક્ષત્રિય, માળી, મુસ્લિમ વગેરે સમાજની સારી એવી વસતી છે તેથી ચૂંટણી જંગ રસપ્રદ બનશે. તિર્થનગરી પાલિતાણામાં ભાજપ સરકારના રાજમાં ખાસ કોઈ વિકાસ થયો નથી તેથી ઘણા સ્થાનિક લોકોમાં નારાજગી છે. તિર્થનગરી હોવાથી અહી જુદા જુદા સમાજના લોકો દર્શન માટે તેમજ ફરવા માટે આવતા હોય છે. પર્યટકો પર લોકોના ધંધા-રોજગાર ચાલતા હોય છે. આ ઉપરાંત ફુલની ખેતી અહી સારી થાય છે. તિર્થનગરી પાલિતાણામાં હાલ ચૂંટણીના પગલે રાજકીય રંગ જામ્યો છે.