×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત વિરુદ્ધ નિત્યાનંદનો પ્રચાર ફ્લોપ : ‘કૈલાસા’ દેશ પર UNએ આપ્યું નિવેદન

Image - Twitter

નવી દિલ્હી, તા.1 માર્ચ-2023, બુધવાર

ભારતમાં દુષ્કર્મના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ નિત્યાનંદના પ્રતિનિધિએ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી આપી હતી. UNની બેઠકમાં નિત્યાનંદના પ્રતિનિધિ વિજયપ્રિયાની હાજરીની તસવીરો દેશભરમાં વાયરલ થઈ હતી, ત્યાર બાદ દેશભરમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, જોકે હવે નિત્યાનંદના પ્રતિનિધિ UNમાં પહોંચ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા આવી છે. નિત્યાનંદની પ્રતિનિધિ ભારત વિરુદ્ધના જે પ્રચાર માટે UNની બેઠકમાં પહોંચી હતી, તેને જોરદાર આંચકો મળ્યો છે. અત્યાર સુધીની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ભાગેડુ નિત્યાનંદે UN પ્લેટફોર્મ સુધી પહોંચવા NGOના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. UNએ કહ્યું કે, નિત્યાનંદના પ્રતિનિધિ દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર અપાયેલા નિવેદન પર કોઈપણ વિચાર કરાશે નહીં.

નિત્યાનંદના પ્રતિનિધિઓએ UNની બે બેઠકમાં લીધો હતો ભાગ

જીનીવામાં UN હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (OHCHR)ના કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, દેશ ‘કૈલાસા’ની પ્રતિનિધિને UNની બેઠકમાં તેમની વાત રાખવા પર પણ પ્રતિબંધિત લગાવી દેવાયો છે. OHCHRના પ્રવક્તાએ કહ્યું કે, કૈલાસાના પ્રતિનિધિઓએ ફેબ્રુઆરીમાં જીનીવામાં UNની બે જાહેર બેઠકમાં આવ્યા હતા. આ બેઠકોમાંથી એક 22 ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જ્યારે બીજી બેઠક 24 ફેબ્રુઆરીએ યોજાઈ હતી.

વિજયપ્રિયાની કોઈપણ રજુઆતને ધ્યાને લેવાશે નહીં : UN

તેમણે જણાવ્યું કે, 24મી ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠક જાહેર બેઠક હતી, જેમાં કોઈપણ ભાગ લઈ શકે છે. આ બેઠક રજુ કરાયેલા પ્રશ્નો અથવા આક્ષેપોની તપાસ એક નિષ્ણાત સમિતિ દ્વારા થાય છે. ત્યારબાદ વિવિધ પાસાઓને ધ્યાને લઈ ડ્રાફ્ટ બનાવાય છે. બેઠકમાં સામેલ લોકો કે સંસ્થાઓની ફરિયાદો, સૂચનો અને મંતવ્યો સાંભળવામાં આવે છે. આ માટે લોકોને અથવા NGOને બેઠકમાં હાજરી આપવા માટે નોંધણી કરાવવાનું કહેવાય છે. ત્યારબાદ રજૂઆતોનું મૂલ્યાંકન કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરાય છે. તેમણે કહ્યું કે કૈલાસાના કાયમી રાજદૂત હોવાનો દાવો કરનાર વિજયપ્રિયા નિત્યાનંદે બેઠકમાં જે પણ કહ્યું તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તેમની રજૂઆતને સંબંધિત સમિતિ સમક્ષ મોકલાશે નહીં.