×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત બંધના એલાન વચ્ચે સિંધુ બોર્ડર પર ખેડૂતનું મૃત્યુ, પોલીસે કહ્યું- હાર્ટ એટેક આવ્યો


- રાજકીય પાર્ટીઓ ભલે ખેડૂત આંદોલનને સમર્થન આપવાની વાત કરી રહી હોય પરંતુ ખેડૂતો હજુ પણ તેને રાજકારણથી દૂર રાખવા ઈચ્છે છે

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર, 2021, સોમવાર

ભારત બંધ આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મૃત્યુ થયું છે. પોલીસના કહેવા પ્રમાણે ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા જાણી શકાશે. ખેડૂતો કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂતોને આ ભારત બંધમાં વિપક્ષી પાર્ટીઓનો પણ સાથ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના ખેડૂતોના ભારત બંધનું સમર્થન કરી ચુક્યા છે. 

સંયુક્ત કિસાન મોરચાના તાજેતરના નિવેદન પ્રમાણે ભારત બંધને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. પંજાબ, હરિયાણા, કેરળ, બિહારમાં સંપૂર્ણપણે શટડાઉન છે. તેમાં તમામ પ્રકારની સંસ્થાઓ, માર્કેટ અને ટ્રાન્સપોર્ટ બંધ છે. SKMના દાવા પ્રમાણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ તેમના ભારત બંધને સમર્થન મળી રહ્યું છે. 

ખેડૂતોએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને હટાવ્યા

રાજકીય પાર્ટીઓ ભલે ખેડૂત આંદોલનને સમર્થન આપવાની વાત કરી રહી હોય પરંતુ ખેડૂતો હજુ પણ તેને રાજકારણથી દૂર રાખવા ઈચ્છે છે. દિલ્હી સરહદે કોંગ્રેસી નેતા અને ડીપીસીસી અધ્યક્ષ અનિલ ચૌધરી ગાઝીપુર બોર્ડર પર કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ તેને બિનરાજકીય ગણાવીને તેમને ધરણાં સ્થળેથી ઉઠી જવા માટે કહ્યું હતું. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોના સમર્થનમાં કહ્યું કે, 'આ દુખની વાત છે કે, શહીદ ભગત સિંહના જન્મદિવસના રોજ ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કરવું પડી રહ્યું છે. જો આઝાદ ભારતમાં પણ ખેડૂતોનું નહીં સાંભળવામાં આવે તો પછી ક્યાં સાંભળવામાં આવશે? હું કેન્દ્ર સરકારને વિનંતી કરૂ છું કે શક્ય તેટલી ઝડપથી તેમની માગણીઓ સ્વીકારે.'