×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત-જાપાન વચ્ચે બુદ્ધ અને બોધનો સંબંધ સદીઓથી બંને દેશો જોડાયેલા છે : મોદી


- ક્વાડ બેઠક માટે જાપાન પહોંચેલા પીએમ મોદીનું ભારતીયોએ સ્વાગત કર્યું

- જાપાનના ટોચના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે મોદીએ બેઠક કરી, ભારતના ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું 

ટોક્યો : ક્વાડ બેઠકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય મૂળના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મોદીએ ભારતીયોને સંબોધતી વખતે જાપાનને ભારતનું નેચરલ પાર્ટનર ગણાવ્યું હતું. ભારત-જાપાનના સંબંધો ભગવાન બુદ્ધના સમયથી છે. ભારત-જાપાન વચ્ચે બુદ્ધ અને બોધનો સંબંધ છે એવું મોદીએ કહ્યું હતું. તેમણે જાપાનના ટોચના ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક કરી હતી. તેમને ભારતના વિકસતા જતા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું આહ્વાહન આપ્યું હતું. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીનો ઉલ્લેખ પણ વડાપ્રધાને કર્યો હતો.

જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાયે દબદબાભેર સ્વાગત કર્યું હતું. જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. જાપાનના પાટનગર ટોક્યોમાં મોદીએ ભારતીય સમુદાયને સંબોધતી વખતે કહ્યું હતું: ભારત-જાપાનનો સંબંધો બુદ્ધના સમયનો છે. ભારત-જાપાન વચ્ચે બુદ્ધ અને બોધનો સંબંધ છે. દુનિયાએ આજે બુદ્ધના વિચારો પર ચાલવાની જરૂર છે. બુદ્ધનો બતાવેલો રસ્તો જ દુનિયાને નવા ઉભા થયેલા પડકારોનો સામનો કરવાની શક્તિ આપશે. હિંસા, અરાજકતા, આતંકવાદ, ક્લાઈમેટ ચેન્જ સહિતના આજના માનવી સામે ખડી થયેલી સમસ્યાનો ઉકેલ બુદ્ધના વિચારોમાં પડયો છે. મોદીએ વિવેકાનંદને પણ યાદ કર્યા હતા. સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા પહેલાં જાપાનમાં પણ આવ્યા હતા. એ વખતે તેમના પર જાપાનનો ઊંડો પ્રભાવ પડયો હતો અને તેમણે નોંધ્યું હતું કે દરેક ભારતીય સાહસિક યુવાને એક વખત જાપાનનો પ્રવાસ કરવો જોઈએ. મોદીએ ઉમેર્યું હતું કે આજે દરેક જાપાની યુવાને એક વખત ભારતનો પ્રવાસ કરવો જોઈએ. ભારત સાંસ્કૃતિક રીતે ખૂબ જ સંપન્ન છે.

મોદીએ કહ્યું હતું કે મારો ઉછેર એવી રીતે થયો છે એટલે મને માખણ ઉપર રેખા ખેંચવાને બદલે પથ્થરો ઉપર રેખા ખેંચવાનો વધારે આનંદ આવે છે. જાપાન ભારતનું નેચરલ પાર્ટનર છે એમ કહીને મોદીએ બંને દેશો વચ્ચે શરૂ થયેલા આર્થિક સહયોગની વાત પણ કરી હતી. જેમાં મુંબઈ-અમદાવાદ બુલેટટ્રેન, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. ભારત ક્લાઈમેટ ચેન્જ બાબતે ખૂબ જ અસરકારક પગલાં ભરે છે. ૨૦૩૦ સુધીમાં કુલ વપરાશની ૫૦ ટકા ઉર્જા પરંપરાગત સ્ત્રોતને બદલે પુન:પ્રાપ્ય સ્ત્રોતથી કરવાના લક્ષ્યાંક સેટ કરાયો છે. ભારતની ડિજિટલ ક્રાંતિ થઈ હોવાથી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ દુનિયામાં સૌથી વધુ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભારતીયોને ભારત ચલો, ભારત સે જૂડો અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરવાની સાથે સાથે ભારતીય મૂળના લોકોએ તેમની કુશળતાથી જાપાનના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી હોવાનું પણ કહ્યું હતું. કોરોના મહામારી દરમિયાન પોતાના નાગરિકોને વેક્સિન લગાવવા ઉપરાંત ભારતે ૧૦૦ જેટલા દેશોમાં વેક્સિન મોકલી હોવાનું મોદીએ કહ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ટોચના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે પણ એક બેઠક યોજી હતી. સુઝૂકીના ઓસામૂ સુઝૂકી, સોફ્ટબેંકના માસાયોશી, એનઈસીના ચેરમેન નોબુહિતો ઈન્ડો, યુનિક્લોના સીઆઈ તદાશી યનાઈ વગેરેને મળ્યા હતા. જાપાનના લગભગ ૩૫ ટોચના ઉદ્યોગપતિઓને તેમણે ભારતના વિકસતા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને ભારતમાં રોકાણ તેમ જ બિઝનેસની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી ઈન્ડો પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એમાં તેમણે વિશ્વાસ, પારદર્શકતા, સમયબદ્ધતા સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સલામતી સ્થાપવા ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોદીએ ગુજરાતના લોથલનો ઉલ્લેખ સૌથી પ્રાચીન કોમર્શિયલ પોર્ટ તરીકે કર્યો હતો.