×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડને હરાવ્યું કૃણાલે વર્લ્ડ રેકોર્ડ સર્જી દિલ જીત્યું


કૃણાલે કારકિર્દીની પ્રથમ વનડેમાં 26 બોલમાં ફાસ્ટેસ્ટ 50 રન ફટકાર્યા

કૃણાલ રેકોર્ડ બાદ સ્વર્ગસ્થ પિતાને યાદ કરતા રડી પડયો, ઇન્ટરવ્યૂ આપી ન શક્યો : ભાઈ હાર્દિક સાંત્વના આપવા દોડી ગયો

318ના પડકાર સામે ઇંગ્લેન્ડના 251 રન

પૂણે : ભારતે ટેસ્ટ અને ટી-20 શ્રેણી વિજયનું પ્રભુત્વ આગળ ધપાવતા ઇંગ્લેન્ડને પ્રથમ વનડેમાં 66 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ઓપનર ધવને 98 અને કે.એલ. રાહુલે 43 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 62 તેમજ કૃણાલ પંડયાએ 31 બોલમાં  7 ચોગ્ગા, બે છગ્ગા સાથે અણનમ 58 રન ફટકારી આખરી 9.3 ઓવરોમાં છઠ્ઠી વિકેટની અણનમ 112 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાવતા ભારતે 50 ઓવરોમાં પાંચ વિકેટે 317 રનનો મોટો સ્કોર ખડો કર્યો હતો.

જવાબમાં ઇંગ્લેન્ડ રન રેટના દબાણ હેઠળ 251 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. બેરસ્ટો એ 66 બોલમાં 94 રનની ઇનિંગ રમી એક તબક્કે જીતની શકયતા ઉભી કરી હતી. શાર્દુલ ઠાકુર અને કારકિર્દીની પ્રથમ વન ડે રમનાર પ્રસિદ્ધ ક્રિષ્નાની મિડિયમ પેસ બોલિંગનું યોગદાન પણ રહ્યું. પ્રસિદ્ધે 54 રનમાં 4 અને ઠાકુરે 37 રનમાં 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ સૌ પ્રથમ વન-ડે કારકિર્દીમાં શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કરનાર ભારતનો બોલર બન્યો હતો. જો કે આજના વિજય સાથે કૃણાલ પંડયાનો વર્લ્ડ રેકોર્ડ અને તે સ્વર્ગસ્થ પિતાની યાદમાં ભાવુક બની ગયો હતો તે દ્રશ્યો ચાહકોને પણ ભીંજવી ગયા હતા. કૃણાલ પંડયાએ 26 બોલમાં તેના 50 રન પૂરા કરીને કારકિર્દીની પ્રથમ વનડેમાં ફાસ્ટેસ્ટ અર્ધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. અગાઉનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જોન મોરિસના નામે હતો. તેણે તેની સૌ પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડ સામે 1990માં 35 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.

ઇનિંગ બ્રેક દરમ્યાન ટીવી કોમેન્ટેટર મુરલી કાર્તિકે તેની સિધ્ધી અંગેની લાગણી બાબતના પ્રશ્નની શરૂઆત કરી તે સાથે કૃણાલ રડી પડયો હતો. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. આ દરમ્યાન તેણે ઉત્તર આપવાનો પ્રયત્ન કરતા 'આ ઇનિંગ મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત છે' તેવું ટૂકડે ટૂકડે માંડ બોલી શક્યો હતો અને તે ફરી તેની લાગણી પર કાબુ ન હતો રાખી શક્યો.

મુરલી કાર્તિકે તેને સ્વસ્થ થવા થોડી સેકંડનો સમય આપ્યો તે પછી યોગ્ય રીતે કૃણાલને જવા દીધો હતો. આ જોઈ તેનો ભાઈ હાર્દિક સાંત્વના આપતા કૃણાલને ભેટી પડયો હતો. હાર્દિક પંડયાએ કાર્તિક જોડે વાત કરતા જણાવ્યું હતું કે, 'સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને કૃણાલ ખૂબ જ ભાવુક બની ગયો છે.'

કૃણાલને મેચ અગાઉ વનડે કારકિર્દીની પ્રારંભની કેપ આપવામાં આવી તે વખતે પણ જાણે તે કેપ તેના પિતા ખુશી અને ગર્વ સાથે ઉપરથી જોતા હોય તેમ આકાશ સામે ઉપર કરી હતી. હાર્દિક અને કૃણાલના પિતા ગત જાન્યુઆરી મહિનમાં જ 71 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા.