×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે થોમસ કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી ઈતિહાસ સર્જ્યો


- ભારતે 14 વખતના વિજેતા ઈન્ડોનેશિયાને હરાવ્યું

બેંગકોક, તા. 15 મે 2022, રવિવાર

થોમસ કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ સર્જ્યો છે. ટીમે પ્રથમ વખત ફાઈનલનો ખિતાબ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામેની મેચમાં 3-0ની અજેય બઢત બનાવી લીધી છે. પહેલી મેચમાં લક્ષ્ય સેને એન્થોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. 

બીજો મુકાબલો ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ 18-21, 23-21, 21-19થી જીતી લીધો હતો. ત્રીજી મેચ સિંગલ્સની રહી જેમાં કિદાંબી શ્રીકાંતે જોનાતન ક્રિસ્ટીને 21-15, 23-21થી પરાજય આપ્યો. 

ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમને હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આમ ટીમનો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત રહ્યો હતો. આ સાથે જ ફાઈનલમાં 14 વખતના રેકોર્ડ ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવીને ઈતિહાસ સર્જ્યો છે.


કિદાંબીએ મેડલ પાક્કો કર્યો

ત્રીજી મેચ સિંગલ્સમાં રમાઈ હતી. તેમાં કિદાંબી શ્રીકાંત અને જોનાતન ક્રિસ્ટી સામસામે હતા. મેચની શરૂઆતથી જ કિદાંબીએ પોતાનો દબદબો જાળવ્યો હતો અને ક્રિસ્ટીને કોઈ પણ જાતની તક નહોતી આપી. કિદાંબીએ સીધા સેટમાં ક્રિસ્ટીને 21-15, 23-21થી પરાજય આપ્યો. કિદાંબીના આ વિજયે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં 3-0થી વિજયી બનાવ્યું. 

સાત્વિક ચિરાગની જોડી બીજી મેચ જીતી

બીજી મેચ ડબલ્સમાં રમાઈ હતી જેમાં ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો કેવિન સંજાયા અને મોહમ્મદ અહસાનની જોડી સામે હતો. તે મેચ ખૂબ રોમાંચક રહી. તેમાં પહેલો સેટ ઈન્ડોનેશિયાની જોડી 21-18થી જીતી. જ્યારે બીજા સેટમાં ભારતીય જોડીએ બાજી પલટી નાખી અને 23-21થી સેટ જીતીને મેચ બરાબર કરી. ત્યાર બાદ ભારતીય જોડી ત્રીજો સેટ 21-19ના અંતરથી જીતી. આમ ભારતે મેચમાં 2-0થી બઢત મેળવી. 

પહેલી મેચઃ લક્ષ્યએ એન્થોનીને હરાવ્યો

લક્ષ્ય અને એન્થોની સિનિસુકા વચ્ચે રોમાંચક મુકાબલો રહ્યો. પહેલો સેટ એન્થોનીએ 21-8થી પોતાના નામે કર્યો તો બીજો સેટ 21-17થી જીતીને લક્ષ્યએ મેચ બરાબર કરી દીધી. ત્રીજા સેટમાં 21-16થી જીતીને લક્ષ્યએ મેચ પોતાના નામે કરી લીધી. 

આ ટુર્નામેન્ટમાં ઈન્ડોનેશિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તે વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું. જ્યારે ભારતીય ટીમને એકમાત્ર હાર ગ્રુપ-સ્ટેજમાં ચીની તાઈપે સામે મળી હતી. જોકે હવે ફાઈનલમાં ભારતે ઈન્ડોનેશિયાને આકરો પરાજય આપ્યો છે.   

ફાઈનલ મેચ માટેની ભારતીય સ્ક્વોડઃ

સિંગલ્સઃ લક્ષ્ય સેન, કિદાંબી શ્રીકાંત, એચએસ પ્રણય, પ્રિયાંશુ રાજાવતી

ડબલ્સઃ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટી, વિષ્ણુવર્ધન ગૌડ પંજાલા-કૃષ્ણ પ્રસાદ ગારગા, એમઆર અર્જુન-ધ્રુવ કપિલા