×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે ચીનની સરહદે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય કાફલો ખડક્યો


- અરૂણાચલ સરહદે ડ્રોનથી જાસૂસી કરી, લડાકુ વિમાનો તૈનાત કરતાં જવાબ આપવા 

- તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપીનો મુદ્દો સંસદગૃહમાં ગાજ્યો : વિપક્ષે વૉકઆઉટ કરીને વિરોધ નોંધાવ્યો

- રાહુલ ગાંધીએ સૈન્ય માટે 'પીટાઈ' શબ્દ પ્રયોજતા રાજકારણ ગરમાયું  વિદેશ મંત્રી એસ. જયશંકરે લશ્કરના અપમાનનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : ચીનની અવળચંડાઈ અને ઘૂસણખોરીના પ્રયાસો વચ્ચે ભારતે ચીન સરહદે અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી તૈનાતી કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ચીનને જવાબ આપવા માટે એલએસી પર અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય તૈનાતી કરવામાં આવી છે. તવાંગમાં બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ તે મુદ્દે સંસદના બંને ગૃહોમાં વાતાવરણ તંગ રહ્યું હતું અને રાજ્યસભામાંથી વિપક્ષે વૉકઆઉટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે તવાંગ મુદ્દે અને એલએસી સરહદે ચાલતા સંઘર્ષ બાબતે ચર્ચા કરવાની માગણી કરી હતી. સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓએ આ મુદ્દે એકબીજા પર આરોપો લગાવ્યા હતા.

તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ તે પછી સંસદમાં એ મુદ્દો ગાજ્યો હતો. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે એ બાબતે સરકાર પાસે ચર્ચા કરવાની માગણી કરી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ચીન આપણી જમીન હડપ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે ને સરકાર એ મુદ્દે જવાબ આપતી નથી. સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એક નિવેદન બાબતે પણ ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ સૈન્ય માટે એક નિવેદનમાં પીટાઈ શબ્દ પ્રયોજ્યો હતો. એના કારણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે સૈન્ય માટે આવા શબ્દોનો પ્રયોગ થવો નિરાશાજનક છે. રાહુલ ગાંધીએ સૈન્યનું અપમાન કર્યું છે. આપણે સૈન્યનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અપમાન કરવું ન જોઈએ. સૈનિકો દેશના રક્ષણ માટે ૧૩ હજાર ફૂટ ઊંચે વિષમ સ્થિતિમાં તૈનાત રહે છે. તેમના માટે ટીકા-ટીપ્પણી કરવી ન જોઈએ.

વિદેશમંત્રીએ અગાઉની કોંગ્રેસની સરકારો પર નિશાન સાધતા કહ્યું હતું કે વિપક્ષ આરોપ લગાવે છે, પણ ચીન સામે સૌથી આક્રમક અભિગમ ભાજપની સરકારે અપનાવ્યો છે. ચીન તરફ જો સરકાર ઉદાસીન હોત તો આટલું મોટું સૈન્ય કોણે તૈનાત કર્યું? જાહેરમાં ભાજપની સરકાર વિશ્વસમક્ષ કહે છે કે ચીન સાથે સંબંધો સામાન્ય નથી.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સરકારની ચીનનીતિ બાબતે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચીન બાબતે ચર્ચાથી દૂર ભાગે છે. રાજ્યસભામાં ચર્ચાની માગણીને સભાપતિ જગદીપ ધનખડેએ ફગાવી દીધી હતી.

દરમિયાન ચીને અરૂણાચલ પ્રદેશ નજીક લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. ડ્રોનથી ભારતની સરહદ નજીક જાસૂસી પણ શરૂ કરી છે. સેટેલાઈટ ઈમેજ પ્રમાણે તવાંગમાં બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ એ પછી ચીનની હવાઈ ગતિવિધિ વધી ગઈ છે. તિબેટના મોટાભાગના લશ્કરી એરબેઝ પર લડાકુ વિમાનો અને શસ્ત્રો તૈનાત થયા છે. આખા પૂર્વોત્તરને રેન્જમાં રાખીને આ તૈનાતી થઈ હોવાનું અહેવાલોમાં કહેવાયું હતું. અરૂણાચલથી ૧૫૦ કિલોમીટર દૂર ચીનની લશ્કરી હિલચાલ ભેદી રીતે વધી ગઈ છે. ૧૦ કલાક સુધી ઉડી શકતું ચીનનું સોરિંગ ડ્રેગન પણ ભારતની સરહદ નજીક જાસૂસી કરી રહ્યું છે.