×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય મૂળના રિશિ સુનક બ્રિટનના વડાપ્રધાન : ઈતિહાસ રચાયો


- દિવાળીના દિવસે બ્રિટનમાં પ્રથમ હિન્દુ પીએમ બિનહરીફ પસંદ થયા

- બોરિશ જોન્સન પેન્ની મોર્ડન્ટે નામાંકન પાછું ખેંચી લેતા રિશિ સુનકનો માર્ગ મોકળો થયો : ભારતીય મૂળના પ્રીતિ પટેલ સહિતના નેતાઓનું સમર્થન

- કન્ઝર્વેટિવ પાર્ટીના 357માંથી મોટાભાગના સાંસદોએ રિશિ સુનકને વડાપ્રધાનપદ માટે સમર્થન કર્યું: 28મી ઓક્ટોબરે શપથ

લંડન : ભારતીય મૂળના રિશિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનશે. બ્રિટનમાં પ્રથમ વખત હિન્દુ નેતા વડાપ્રધાનપદે બેસશે. રિશિ સુનક બ્રિટનના પ્રથમ અશ્વેત વડાપ્રધાન પણ બનશે. ૨૮મી ઓક્ટોબરે રિશિ સુનક બ્રિટિશ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. છેલ્લાં હરીફ પેન્ની મોર્ડન્ટે ઉમેદવારી પાછી ખેંચી લેતા સુનકનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. દિવાળીના દિવસે જ હિન્દુ નેતાની પસંદગી થઈ હતી.

રિશિ સુનક અને પેન્ની મોર્ડન્ટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે સ્પર્ધા ચાલતી હતી. બંનેમાંથી જેને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોનું સૌથી વધુ સમર્થન મળે તેમને વડાપ્રધાનપદનો તાજ મળવાનો હતો. રિશિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના ૩૫૭માંથી અડધો અડધ સાંસદોનું સમર્થન અગાઉથી જ મળી ચૂક્યુ હતું. આખરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પેન્ની મોર્ડન્ટે નામાંકન પાછું ખેંચી લેતા રિશિ સુનકનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં રિશિ સુનક એકમાત્ર નેતા રહ્યા હતા. આખરે તેમને વડાપ્રધાન બનાવવાની જાહેરાત થઈ હતી.

 અગાઉ બોરિસ જ્હોન્સન પણ ફરીથી વડાપ્રધાન બનવાની સ્પર્ધા હતા, પરંતુ તેમણે પીછેહઠ કરી લેતા બે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થાય એવી શક્યતા હતા.

બોરિસ જ્હોન્સનના રાજીનામા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં મતદાન થયું હતું, જેમાં રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. સાંસદોની પહેલી પસંદ સૂનક રહ્યા હતા, પરંતુ પાર્ટીના મતદારોએ લિઝ ટ્રસને સૌથી વધુ મતો આપતા લિઝ ટ્રસ બ્રિટનનાં વડાંપ્રધાન બન્યા હતા.

જોકે, તેમણે ચૂંટણી વખતે આપેલા વાયદા પૂરા ન થતા અને આંતરિક અસંતોષ વધતા આખરે ૪૫ દિવસ વડાપ્રધાનપદે રહ્યા બાદ રાજીનામું આપી દીધું હતું. તેમના પર રાજીનામું આપી દેવાનું દબાણ હોવાનું કહેવાતું હતું. એ પછી ફરીથી નવા વડાપ્રધાનની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ હતી. ૧૦૦ સાંસદોના સમર્થન સાથે રિશિ સુનકે ફરી વખત સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. બોરિસ જ્હોન્સન પણ મેદાનમાં ઉતર્યા હતા.

 જોકે, જ્હોન્સનના મંત્રાલયમાં સામેલ અનેક નેતાઓએ રિશિ સુનક પર પસંદગી ઉતારી હતી. એટલે જ્હોન્સને આખરે પીછેહઠ કરી દીધી હતી. બોરિસ જ્હોન્સન સરકારમાં મંત્રી રહેલા ભારતીય મૂળના પ્રીતિ પટેલે રિશિ સુનકનું સમર્થન કર્યું હતું. તે સિવાય કેબિનેટ મંત્રી જેમ્સ ક્લેવર્લી અને નદીમ જહાવીએ પણ રિશિ સુનકને ટેકો આપ્યો હતો.

રિશિ સુનકના નામની જાહેરાત થયા બાદ રખેવાળ વડાપ્રધાન લિઝ ટ્રસે ટ્વિટ કરીને રિશિને અભિનંદન પાઠવ્યા હતા અને તેમનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. રિશિ સુનકે ટ્વિટરમાં બોરિસ જ્હોન્સ અંગે ખેલદિલીપૂર્વક લખ્યું હતું કે જ્હોન્સને દેશની કટોકટીના સમયમાં સેવા આપી છે. દેશ તેમને એ રીતે યાદ કરશે. તેમણે વડાપ્રધાનપદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો એ પછી પણ તેઓ જાહેર સેવામાં તેમના અનુભવનો લાભ આપે તેવી શુભેચ્છા.

રિશિ સુનકે ટ્વીટ કરીને વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલા મંદ પડેલા અર્થતંત્રને સુધારવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટન એક મહાન દેશ છે અને મને વડાપ્રધાન તરીકે બ્રિટનની સેવા આપવાનો મોકો મળ્યો છે તેને સૌભાગ્ય ગણું છું.

રિશિ સુનક ભારત-બ્રિટનના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત બનાવશે

ભારતીય મૂળના કન્ઝર્વેટિવ નેતા રિશિ સુનકે પાર્ટી મીટિંગમાં વિદેશનીતિ બાબતે વાત કરતા કહ્યું હતું કે ભારત-બ્રિટનના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત બનાવાશે. રિશિ સુનકે કહ્યું હતું કે બ્રિટનનું અર્થતંત્ર અત્યારે ખૂબ જ નાજૂક સ્થિતિમાં છે. એવી સ્થિતિમાં બ્રિટનને ભારત જેવા સહયોગીની જરૂર પડશે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભારતનું એક ગુ્રપ છે. એના સંદર્ભમાં રિશિ સુનકે કહ્યું હતું કે: નમસ્તે, કેમ છો? આપ સબ મેરે પરિવાર હો.

રિશિ સુનકે ઉમેર્યું હતું: આપણે સૌ જાણીએ છીએ કે ભારત-બ્રિટનના સંબંધો સદીઓ જૂના છે. બંને દેશોના સંબંધો છેલ્લાં સાત દશકામાં ખૂબ જ મહત્ત્વના રહ્યા છે. હું બ્રિટન-ભારત વચ્ચે વિઝાનીતિ સરળ બનાવવા માંગું છું. 

ભારતથી આવતા સ્ટૂડન્ટ્સ માટે બહેતર વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ભારતીય કંપનીઓ બ્રિટનમાં રોકાણ કરી શકે અને નવી રોજગારી સર્જાય તેવા પગલાં ભરાશે. બંને દેશો વચ્ચે પ્રવાસન સરળ બનાવવાની દિશામાં નિર્ણયો લેવાશે. તેમણે કહ્યું હતું કે મને ભારતીય મૂળના હોવાનું ગૌરવ છે. 

રિશિ સુનક 7300 કરોડ રૂપિયાના આસામી

ઈન્ફોસિસના સ્થાપકની દીકરી અક્ષતા-રિશિની રસપ્રદ લવસ્ટોરી

રિશિ સુનકના દાદા-દાદી ભારતના પંજાબમાંથી ૧૯૪૦ આસપાસ આફ્રિકામાં સ્થાઈ થયા હતા. ત્યાંથી તેઓ ૧૯૬૦માં બ્રિટન આવી વસ્યા હતા.

સુનકના  પિતા યશવીર સુનકનો જન્મ કેન્યામાં થયો હતો. તેમના માતા ઉષા સુનકનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો. આ બંનેના પરિવારો બ્રિટનમાં સ્થાઈ થયા હતા. બ્રિટનમાં સ્થાઈ થયા બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

રશિ સુનકનો જન્મ ૧૯૮૦માં બ્રિટનમાં થયો હતો. અર્થશાસ્ત્ર, ફિલોસોફી અને રાજ્યશાસ્ત્ર ભણેલા રિશિ સુનક ઈન્વેસ્ટમેન્ટ ફર્મમાં એનાલિસ્ટ હતા. ૨૦૧૨ આસપાસ તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી.

રિશિ સુનકની ગણતરી બ્રિટનના સૌથી ધનવાન સાંસદોમાં થાય છે. રિશિની સંપત્તિ ૭૩૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, તેમની પત્ની અક્ષતા તો એથીય વધુ ધનવાન છે. 

રિશિ સુનક ભારતના ટોચના ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના જમાઈ થાય છે. રિશિ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને ખૂબ જ સન્માનની દૃષ્ટિએ જુએ છે. 

બ્રિટિશ- ભારતીયોના એક કાર્યક્રમમાં રિશિએ કહ્યું હતું કે તેમના સાસુ-સસરાએ સંઘર્ષ કરીને ભારતના ઉદ્યોગજગતમાં જે સ્થાન મેળવ્યું છે તેનાથી તેમને બેહદ ગૌરવ છે.

સુધા-નારાયણ મૂર્તિની દીકરી  અક્ષતા અને રિશિ સુનક અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા. એ વખતે બંને પ્રેમમાં પડયા હતા. ૨૦૦૯માં બંનેના લગ્ન થયા હતા.