×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રહી ચુકેલા રોબિન ઉથપ્પાએ કરી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત


- ટીમ ઈન્ડિયા જ્યારે T20 વર્લ્ડ કપની પ્રથમ એટલે કે, 2007ની સીઝન જીત્યું હતું ત્યારે ઉથપ્પા ટીમના સ્ટાર ઓપનર હતા

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રહી ચુકેલા રોબિન ઉથપ્પાએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા જ્યારે T20 વર્લ્ડ કપની પ્રથમ એટલે કે, 2007ની સીઝન જીત્યું હતું ત્યારે ઉથપ્પા ટીમના સ્ટાર ઓપનર હતા. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. 

તે ટુર્નામેન્ટમાં ઉથપ્પાએ પાકિસ્તાન સામેની મેચમાં 'બોલ આઉટ' સુધી પહોંચેલા મુકાબલામાં ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. ઉથપ્પા IPLમાં ધોનીની કેપ્ટનશિપમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે અંતિમ મેચ રમ્યા હતા. 

ઉથપ્પાએ પોતાના ક્રિકેટ સંન્યાસની જાહેરાત કરતી ટ્વિટમાં લખ્યું હતું કે, 'આપણાં દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સૌથી મોટા સન્માનની વાત રહી છે. જોકે દરેક સારી વસ્તુઓનો અંત આવે છે અને ખૂબ જ આભાર સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.'

ઉથપ્પા પોતાની ફાસ્ટ બેટિંગની સાથે વિકેટકીપિંગ માટે પણ જાણીતા છે. જમીની શોટ રમવામાં માહેર ઉથપ્પા IPLમાં ખૂબ સફળ રહ્યા છે. IPL 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સની સફળતામાં ઉથપ્પાનું ખૂબ જ યોગદાન રહેલું છે. તે સીઝનમાં ઉથપ્પાએ 138ના સ્ટ્રાઈક રેટથી 660 રન બનાવ્યા હતા. 

ઉથપ્પા ભારત માટે 60 વનડે અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. 2004માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ ટીમના સદસ્ય રહી ચુકેલા ઉથપ્પાએ 2006માં ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. 

36 વર્ષીય ઉથપ્પા પોતાની કારકિર્દી દરમિયાન અત્યાર સુધીમાં 205 IPL મેચ રમ્યા છે અને તેમણે 4,952 રન બનાવ્યા છે. તેઓ 2021માં IPL ટાઈટલ જીતનારી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પણ સદસ્ય હતા. તેઓ અત્યાર સુધીમાં IPLની તમામ 15 સીઝન રમ્યા છે અને લીગમાં 6 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે.