×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય કોરોના સ્ટ્રેન વધુ સંક્રામક અને વધુ જીવલેણ, દુનિયાના 44 દેશોમાં દેખાયો : WHO


- B.1.617 સ્ટ્રેનને 'ભારતીય' ગણાવવા સામે કેન્દ્રે વાંધો ઊઠાવ્યો

- B.1.617 સ્ટ્રેન મોનેક્લોનલ એન્ટીબોડી બામલાનિવિમેબ સામે લડી શકે છે

- B.1.617 સ્ટ્રેનના સૌથી વધુ કેસ ભારત પછી બ્રિટનમાં નોંધાયા હૂએ 44 દેશોમાંથી આ સ્ટ્રેનના 4500 સેમ્પલ એકત્ર કર્યા


જીનેવા/નવી દિલ્હી, તા.12 મે 2021, બુધવાર

ભારતમાં કોરોના વાઈરસના જે સ્ટ્રેન કે વેરિઅન્ટથી બીજી લહેરમાં ભારે વિનાશ વેરાયો છે અને જે સ્ટ્રેન જીવલેણ સાબિત થયો છે તે દુનિયાના અન્ય અનેક દેશોમાં જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે કોરોનાનો B.1.617 સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં મળ્યો હતો, તે દુનિયાના 44 દેશોમાં ફેલાઈ ગયો છે.

આ દેશોમાંથી આ સ્ટ્રેનના 4500 જેટલા સેમ્પલ એકત્ર કરાયા છે. તેને એક ઓપન એક્સેસ ડેટાબેઝ પર અપલોડ કરાયા છે. દરમિયાન કોરોનાના B.1.617 સ્ટ્રેનને 'ભારતીય' કહેવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વાઈરસને 'ભારતીય' કહ્યો નથી.

સ્વાસ્થ્ય સંગઠને કોરોના મહામારી પર તેના સાપ્તાહિક અપડેટમાં જણાવ્યું કે, તેને પાંચ અન્ય દેશોમાં કોરોનાના B.1.617 વેરિઅન્ટની હાજરી હોવાની આશંકાનો રિપોર્ટ મળ્યો છે. કોરોનાના B.1.617 પ્રકારના સૌથી વધુ કેસ ભારત પછી બ્રિટનમાં જોવા મળ્યા છે. આ વાઈરસ મૂળ વાઈરસની સરખામણીમાં થોડોક અલગ મ્યુટેશન અને કેરેક્ટર મળી આવ્યા છે. તેથી તેને પણ બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાંથી મળેલા વેરિઅન્ટ્સમાં મૂકવામાં આવ્યો છે.

સાર્સ-સીઓવી2 વાઈરસના આ સ્ટ્રેન મૂળ વાઈરસથી એટલે વધુ ખતરનાક મનાઈ રહ્યા છે, કારણ કે તે વધુ સંક્રામક છે અથવા તેનાથી વધુ મોત થઈ રહી છે અથવા તે રસીથી મળતી સુરક્ષાને હરાવી રહ્યા છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, B.1.617ને આ લીસ્ટમાં એટલા માટે નાંખવામાં આવ્યું છે, કારણ કે તેનો સંક્રમણ દર મૂળ વાઈરસ કરતાં જણાય છે અને અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંગઠને કહ્યું કે આ વેરિઅન્ટ મોનેક્લોનલ એન્ટીબોડી બામલાનિવિમેબથી સારવાર સામે લડી શકે છે અને પ્રારંભિક લેબ અભ્યાસમાં સંકેત મળ્યા છે કે એન્ટીબોડીઝથી વાઈરસને નબળો કરવામાં મર્યાદિત ઘટાડો થયો છે.

હૂએ કહ્યું કે B.1.617 અને અન્ય વધુ સંક્રામક વેરિઅન્ટના પગલે એમ લાગે છે કે ભારતમાં કોરોનાના કેસ સૌથી ઝડપથી વધ્યા છે. વિશ્વમાં અમેરિકા પછી ભારત કોરોનાથી સૌથી વધુ પીડિત દેશ છે. અહીં કોરોનાના દૈનિક 3 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને મોત પણ 4,000ની આજુબાજુ થઈ રહ્યા છે. સંસ્થાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના ટેસ્ટના માત્ર 0.1 ટકા જ અમેરિકન જેનેટિક સીક્વેન્સ થઈ શકી છે અને જીઆઈએસએઆઈડી ડેટાબેઝ પર અપલોડ કરાઈ શક્યા છે. 

એપ્રિલના અંત સુધીમાં ભારતના બધા જ સીક્વન્સ્ડ સેમ્પલોમાં 21 ટકા B.1.617.1 અને સાત ટકા B.1.671.2 હતા. આ સિવાય ભારતમાં વધુ સંક્રામક વેરિઅન્ટ ફેલાઈ રહ્યા છે, જેમાં B.1.1.7નો પણ સમાવેશ થાય છે, જે સૌથી પહેલા બ્રિટનમાં મળ્યો હતો.