×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીયોની લાગણી દુભાઈ : પાકિસ્તાનમાં ગણેશ મંદિરમાં તોડફોડ, વિડીયો વાયરલ

ઈસ્લામાબાદ, તા. 6 ઓગસ્ટ 2021 શુક્રવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિર ઉપર અમુક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હુમલો કરીને તોડફોડ કરી હતી. મંદિરની કેટલીય મૂર્તિઓને ખંડિત કરી હતી અને મંદિર પરિસરમાં આગ ચાંપી હતી. એ મુદ્દે પાકિસ્તાન સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.

આ મામલે ભોંગ શરીફ પોલીસ તરફથી 100-150 અજ્ઞાત લોકો વિરૂદ્ધ અલગ-અલગ 6 કલમમાં FIR નોંધવામાં આવી છે. પાક. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પણ થશે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં હિન્દુ મંદિરમાં તોડફોડ થઈ હતી. શહેરના અમુક કટ્ટરવાદી મુસ્લિમોનું ટોળું મંદિરના પરિસરમાં આવી ચડયું હતું અને ટોળાએ મંદિરમાં આગ ચાંપી દીધી હતી. મૂર્તિઓની તોડફોડ કરી હતી. પોલીસથી ટોળું કાબૂમાં ન આવ્યું એટલે પાકિસ્તાનની રીઝર્વ ફોર્સના જવાનોને બોલાવવા પડયા હતા.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ ડૉ. રમેશ કુમાર વાંકવાનીએ ટ્વિટરમાં વીડિયો મૂક્યો હતો. હિન્દુ નેતા ડો. રમેશ કુમારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશની મુલાકાત કરી હતી અને ઘટના બાબતે તપાસની માગણી કરી હતી. એ પછી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે ઘટના અંગે તુરંત સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરી હતી.

સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડની ઘટનાને 24 કલાક કરતા વધારે સમય વીતી ગયા બાદ FIR નોંધવામાં આવી છે. તમામ FIR અજ્ઞાત લોકો વિરૂદ્ધ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ નામાંકિત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો નથી જ્યારે વાયરલ વીડિયોમાં તોડફોડ કરનારના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અગાઉ ગુરૂવારે સાંજે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દોષીઓના વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

ચારેબાજુથી ટીકા થતાં પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના પીએમની ઓફિસમાંથી એક સત્તાવાર નિવેદન જારી કરાયું હતું કે હિન્દુ મંદિર પર થયેલા હુમલાની સરકાર ટીકા કરે છે અને એ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાશે.

આખા વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. જોકે, આ ઘટનામાં એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ન હતી. હુમલાખોરોને તુરંત પકડી લેવાની માગણી હિન્દુ સમાજે કરી હતી.

આ ઘટનાના સંદર્ભમાં દિલ્હી સ્થિત પાકિસ્તાની રાજદૂતને ભારત સરકારે સમન્સ પાઠવ્યું હતું અને ઘટનાની બાબતે ખુલાસો પૂછ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓ પર થતાં અત્યાચારોનો મુદ્દો ભારતે પાકિસ્તાની રાજદૂત સમક્ષ વ્યક્ત કર્યો છે.