×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતવંશી સત્યા નાદેલાનું પ્રમોશન, માઈક્રોસોફ્ટે હવે CEOમાંથી બનાવ્યા ચેરમેન


- પૂર્વ ચેરમેન થૉમ્પસન હવે પ્રમુખ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે

નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર

માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલા સફળતાની સીડી પર આગળ વધી રહ્યા છે. માઈક્રોસોફ્ટ કંપનીએ હવે તેમને પોતાના ચેરમેન બનાવી દીધા છે અને નાદેલા હવે જૉન થૉમ્પસનનું સ્થાન લેશે. 

ઉલ્લેખનીય છે કે, સત્યા નાદેલા 2014ના વર્ષમાં માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બન્યા હતા. ત્યાર બાદ LinkedIn, Nuance કોમ્યુનિકેશન્સ અને ZeniMax જેવી અનેક કંપનીઓના અબજો ડોલરના અધિગ્રહણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

કંપનીનું નિવેદન

કંપનીના કહેવા પ્રમાણે થૉમ્પસન હવે પ્રમુખ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે. 2014ના વર્ષમાં થૉમ્પસન બિલ ગેટ્સ બાદ માઈક્રોસોફ્ટના ચેરમેન બન્યા હતા. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ હવે કંપનીના બોર્ડમાં નથી અને તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સના પરોપકારી કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે. કંપનીએ તાજેતરમાં જ પ્રતિ શેર 56 સેન્ટનો ત્રિમાસિક લાભાંશ આપવાનો નિર્ણય લીધો છે. 

ભારતમાં કોરોનાના કારણે થઈ રહેલા વિનાશના કારણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાદેલા પણ ખૂબ દુખી હતા. તેમણે આ સ્થિતિમાં મદદનો વિશ્વાસ આપ્યો હતો અને મદદ પણ કરી હતી. 

હૈદરાબાદથી શાળાકીય અભ્યાસ

સત્યા નાદેલાનો જન્મ 1967માં ભારતના હૈદરાબાદ ખાતે થયો હતો. તેમના પિતા એક પ્રશાસનિક અધિકારી અને માતા સંસ્કૃતના લેક્ચરર હતા. હૈદરાબાદ પબ્લિક સ્કુલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ 1988માં તેમણે મણિપાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરવા માટે તેઓ અમેરિકા જતા રહ્યા હતા. તેમણે 1996માં શિકાગોની બૂથ સ્કુલ ઓફ બિઝનેસ ખાતેથી એમબીએ કર્યું હતું.