×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ 62 હજારને પાર, 300નાં મોત


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૭

ભારતમાં કોરોના મહામારીના શનિવારે એક જ દિવસમાં નવા ૬૨,૨૫૮ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં સતત ૧૭મા દિવસે કોરોનાના કેસ વધ્યા છે. આ સાથે એક્ટિવ કેસ વધીને ૪.૫૨ લાખને પાર થઈ ગયા છે, જે કોરોનાના કુલ કેસમાં ૩.૮૦ ટકા જેટલા છે. દરમિયાન દેશમાં કોરોના મહામારી વકરતાં કેન્દ્ર સરકારે કેસ સતત વધી રહ્યા છે એવા ૧૨ રાજ્યો સાથે બેઠક કરી હતી અને તેમને ટેસ્ટિંગ, ટ્રેકિંગ વધારવા, સ્વાસ્થ્ય સેવાઓ સુધારવા, લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા અને રસીકરણ વધારવા જેવા પાંચ મુદ્દાઓના નિર્દેશ આપ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૬૨,૨૫૮ કેસ નોંધાયા હતા, જે ૧૬મી ઑક્ટોબર પછી સૌથી વધુ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૧૯,૦૮,૯૧૦ થયા હતા જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯૧ દર્દીનાં મોત થયા હતા, જે છેલ્લા ત્રણ મહિનામાં એક દિવસમાં સૌથી વધુ મોત છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૧,૨૪૦ થયો છે. દેશમાં કોરોનાના કારણે ૭૦ ટકાથી વધુ મોત કોમોર્બિડીટીસના કારણે થયા હતા. દેશમાં છેલ્લે ૧૬મી ઓક્ટોબરે એક દિવસમાં કોરોનાના નવા ૬૩,૩૭૧ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૨,૯૫,૦૨૩ દર્દીઓ સાજા થયા છે. જોકે, રીકવરી રેટ ઘટીને ૯૪.૮૫ ટકા થયો હતો, જે એક સમયે ૯૭ ટકા નજીક હતો.

દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તિસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા છ રાજ્યોમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે, દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી ૭૯.૫૭ ટકા કેસ આ રાજ્યોમાં સામે આવ્યા છે. વધુમાં ૧૨ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે શનિવારે આ ૧૨ રાજ્યો સાથે બેઠક યોજી હતી અને તેમને કોરોનાના દૈનિક કેસમાં વધારો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.

કેન્દ્ર સરકારે આ રાજ્યોને પાંચ મુદ્દાની કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવા જણાવ્યું હતું. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે રાજ્યોએ તેમના બધા જ જિલ્લાઓમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવું જોઈએ. કોરોના હોવાનું ટેસ્ટ થનારા લોકોના સંપર્કમાં આવેલા લોકોને તુરંત ટ્રેક કરવા જોઈએ અને તેમને આઈસોલેટ કરવા જોઈએ. આ સંદર્ભમાં સરેરાશ ૩૦ સંપર્કો ટ્રેસ કરવા જોઈએ. રાજ્યોએ તેમની જાહેર અને સરકારી હોસ્પિટલોના માળખાને મજબૂત કરવું જોઈએ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને ફરીથી પ્રોત્સાહિત કરવા જોઈએ. લોકોને જાહેર સ્થળો પર કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ રસીકરણની ગતિ વધારવી જોઈએ. રસીની અછતની આશંકાથી બફર સ્ટોક કર્યા વિના રસીના ઉપલબ્ધ સ્ટોકનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. રાજ્યોએ કોરોનાના કેસ ઘટાડવા આ નિર્દેશોનું પાલન કરવું જોઈએ તેમ ભૂષણે કહ્યું હતું.

દરમિયાન દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાને ગતિ પકડી છે. હવે રસીના દૈનિક સરેરાશ ૧૫ લાખથી વધુ ડોઝ અપાઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૯,૪૫,૧૬૮ સત્રો મારફત લાભાર્થીઓને ૫.૮૧ કરોડ ડોઝ અપાયા છે. ભારત રસીકરણના ડોઝના સંદર્ભમાં વિશ્વમાં બીજા ક્રમે છે.