×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં ભયાવહ બનતો કોરોના સૌથી વધુ 3800નાં મોત : 3.82 લાખ નવા કેસ


- કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહો : પહેલી ઓગસ્ટ સુધી 10 લાખનાં મોતની આશંકા 

- કુલ કેસ 2.06 કરોડ, કુલ એક્ટિવ કેસ 34.87 લાખ, મૃત્યુઆંક 2.26 લાખ : 12 રાજ્યોમાં એક લાખ કરતાં વધુ એક્ટિવ કેસ

- બીજી લહેરની પીક 20 મે સુધીમાં આવી શકે, ત્યાં સુધીમાં દૈનિક 12,000 દર્દીઓના મોતની આશંકા : આઈએચએમઈ


નવી દિલ્હી : ભારતમાં કોરોનાના નવા કેસ અને મોતમાં બે દિવસના વિરામ પછી ફરીથી વધારો જોવા મળ્યો છે. દેશમાં બુધવારે કોરોનાથી એક જ દિવસમાં સૌથી વધુ ૩૮૦૦ના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૨૬ લાખને પાર થઈ ગયો છે. કોરોનાના કેસ પણ બે દિવસ પછી વધ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૮૨ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસ ૨.૦૬ કરોડથી વધુ થયા છે. દેશમાં કોરોનાના કેસમાં સ્થિર વધારાના પગલે કુલ એક્ટિવ કેસ ૩૪.૮૭ લાખ થયા છે તેમજ ૧૨ રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસને પગલે હિમાચલ પ્રદેશે ૭મી મેથી ૧૦ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં બુધવારે કોરોનાથી ૩,૭૮૦નાં મોત નીપજ્યાં હતા, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૮૯૧, ઉત્તર પ્રદેશમાં ૩૫૧, દિલ્હીમાં ૩૩૮નો સમાવેશ થાય છે. વધુમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત ૧૨ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસ ૩૪.૮૭ લાખને પાર થઈ ગયા છે, જે કુલ કેસમાં ૧૬.૮૭ ટકા જેટલા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧.૬૯ કરોડ દર્દીઓ સાજા થયા છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ ૮૨.૦૩ ટકા નોંધાયો છે જ્યારે મૃત્યુદર વધુ ઘટીને ૧.૦૯ ટકા થયો છે. દેશમાં બુધવારે કોરોનાના ૩.૮૨ લાખ કેસ નોંધાયા હતા, જેમાં ૭૦.૯૧ ટકા કેસ મહારાષ્ટ્ર, દિલ્હી ઉત્તર પ્રદેશ સહિત ૧૦ રાજ્યોમાં નોંધાયા છે. ૧૦ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૨૫ ટકાથી વધુ છે. ભારતે રસીકરણ અભિયાનના ૧૦૯ દિવસમાં ૨૩.૬૬ લાખથી વધુ સત્રોમાં રસીના ૧૬ કરોડથી વધુ ડોઝ આપ્યા છે. બ્રિટનને રસીના આટલા ડોઝ આપવામાં ૧૧૧ દિવસ અને ચીનને ૧૧૬ દિવસ થયા હતા.

દરમિયાન સરકારે બુધવારે ચેતવણી આપી હતી કે, દેશમાં આગામી સમયમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ટાળી નહીં શકાય. નાગરિકોએ તેના માટે તૈયાર રહેવું પડશે. જોકે, તેના સમય અંગે અત્યારે કશું કહી શકાય તેમ નથી. ભારતમાં કોરોના વાઈરસ હજી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે. કોરોનાની બીજી લહેર આટલી ભયાનક અને લાંબી હશે તેનો અંદાજ કરાયો નહોતો.

તેમણે ઉમેર્યું કે, દેશમાં વાઈરસનું વધુ પ્રમાણમાં સર્ક્યુલેશન થઈ રહ્યું છે. જેથી ત્રીજી લહેર આવશે, પરંતુ ક્યારે આવશે તે નક્કી નથી. વાઈરસના સ્ટ્રેન પહેલા સ્ટ્રેનની જેમ જ ફેલાઈ રહ્યા છે. દેશ અને દુનિયામાં કોરોનાના હજી નવા વેરિઅન્ટ્સ આવશે. એક લહેર પૂરી થતાં સાવચેતી ઘટતા વાઈરસના પ્રસારને ફરી તક મળે છે.  દેશમાં કોરોનાના કેસ અને તેનાથી થતા મોતની સંખ્યા સતત વધી રહી છે. એવામાં અમેરિકા સ્થિત ઈન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશન (આઈએચએમઈ)ના અંદાજ મુજબ ભારતમાં આકરા પગલાં લેવામાં નહીં આવે તો ૧લી ઑગસ્ટ સુધીમાં ભારતમાં કોરોનાના કારણે ૧૦ લાખથી વધુનાં મોત થઈ શકે છે. આ પહેલાં સંસ્થાએ ૯.૬૦ લાખના મોતની આગાહી કરી હતી. વધુમાં ગંભીર પરિસ્થિતિમાં મોતનો આંકડો ૧૨ લાખને પાર પણ જઈ શકે છે. આ અંદાજો ૨૫થી ૩૦ એપ્રિલ વચ્ચેના ડેટા પર આધારિત છે. કોરોનાના કારણે આ સમયમાં મૃતકોની સંખ્યામાં ૭૮ ટકાનો વધારો થયો હતો.

આઈએચએમઈના અંદાજ મુજબ કોરોનાની બીજી લહેરની પીક ૨૦મી મે સુધીમાં આવશે, જ્યાં સુધીમાં કોરોનાથી દૈનિક ૧૨,૦૦૦થી વધુ મોત થવાની આશંકા છે. સંસ્થાએ આ પહેલાં પીક માટે ૧૬મી મેનો અંદાજ વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ કહ્યું કે ભારતમાં હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા માટે નક્કર પગલાં લેવાની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને ફેસ માસ્કના અસરકારક ઉપયોગ વિના ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. 

ભારતમાં જો ૯૫ ટકા લોકો માસ્ક પહેરવાના નિયમનું કડકાઈથી પાલન કરે તો ૧લી ઓગસ્ટ સુધીમાં મોતની સંખ્યામાં અંદાજે ૭૩,૦૦૦ સુધીનો ઘટાડો આવી શકે છે. આઈએચએમઈએ કહ્યું કે શું થવાની સૌથી વધુ સંભાવના છે તેના આધારે તેણે અંદાજ વ્યક્ત કર્યો છે. ભારતમાં રસીકરણની ઝડપ આ જ રહી અને સરકાર કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવે છે તેના પર આ મોડેલ આધારિત છે. દરમિયાન કોરોનાના કેસ વધતા હિમાચલ પ્રદેશે ૭મી મેથી ૧૦ દિવસ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન ૧૬મી મે સુધી ચાલશે.

દેશમાં 14 દિવસથી દૈનિક ૩ લાખથી વધુ નવા કેસ

દુનિયામાં થતા કોરોનાના કેસમાં દર બીજો દર્દી અને ૨૫ ટકા મોત ભારતમાં થાય છે

- દેશમાં રસીકરણની ઝડપ ઓછી થઈ, અનેક રાજ્યોમાં 18થી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ જ નથી થયું

સમગ્ર દુનિયામાં કોરોનાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે, પરંતુ ભારતમાં બીજી લહેરનો કેર ઝડપથી વધી રહ્યો છે. પરિણામે છેલ્લા એક સપ્તાહમાં દુનિયામાં નોંધાયેલા કોરોનાના કેસમાંથી દર બીજો કેસ ભારતમાં જોવા મળ્યો છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ બુધવારે જણાવ્યું કે ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં દુનિયામાં નોંધાયેલા કોરોનાના કુલ નવા કેસમાંથી ૫૦ ટકા કેસ નોંધાયા છે. વધુમાં છેલ્લા એક સપ્તાહમાં દુનિયામાં કોરોનાથી થયેલા કુલ મોતમાંથી ૨૫ ટકા મોત ભારતમાં થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં છેલ્લા ૧૪ દિવસથી સતત દૈનિક ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. 

ભારતમાં કોરોનાની નવી લહેર એટલા માટે પણ ચિંતા વધારી રહી છે, કારણ કે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજી તરફ રસીકરણ અભિયાનમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં ૧૮થી ૪૪ વર્ષની વય જૂથના લોકોનું રસીકરણ શરૂ જ નથી થયું અને જ્યાં શરૂઆત થઈ છે, ત્યાં તેની ઝડપ ખૂબ જ ધીમી છે.