×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાનો વિનાશ : એક દિવસમાં સૌથી વધુ 4,200નાં મોત


- દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા ચાર લાખથી વધુ કેસ

- દેશમાં 180 જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ કેસ નથી : તામિલનાડુમાં 10થી 24 મે સંપૂર્ણ લોકડાઉન

- કોરોનાના કુલ કેસ 2.18 કરોડ, મૃત્યુઆંક 2.38 લાખને પાર, એક્ટિવ કેસ 37.23 લાખ, કોરોનાના 1.79 દર્દી સાજા થયા

- હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ વિના પણ દાખલ કરવા પડશે

નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારી વધુ ને વધુ વકરી રહી છે. દેશમાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪,૨૦૦ જેટલા દર્દીઓના મોત નીપજ્યાં હતાં, જે અત્યાર સુધીમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધુ દર્દીઓના મોત થયા છે. વધુમાં દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૨.૧૮ કરોડને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૨.૩૮ લાખથી વધુ થયો છે. દરમિયાન કોરોના પીડિત દર્દીઓએ હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના પોઝિટિવ રિપોર્ટની જરૂર નહીં પડે. કોરોનાના કેસ વધતા તામિલનાડુએ ૧૦ મેથી ૨૪ મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. 

કોરોના મહામારીનો કેર હવે વધુ મોતમાં પરિવર્તિત થઈ રહ્યો છે. કોરોના મહામારીની ભયાનકતાનો એ બાબત પરથી જ અંદાજ લગાવી શકાય છે કે હવે દરરોજ કોરોનાના કેસ જ નથી વધી રહ્યા પરંતુ મોત પણ વધી રહ્યા છે. કોરોના મહામારીની બીજી લહેરે બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં શનિવારે કોરોનાથી એક જ દિવસમાં ૪,૧૮૭નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૩૮ લાખને પાર થઈ ગયો છે. કોરોનાના કેસ વધવાની સાથે એક્ટિવ કેસ પણ ૩૭.૨૩ લાખને પાર થઈ ગયા છે, જે કુલ કેસના ૧૭.૦૧ ટકા જેટલા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૭૯ કરોડ દર્દીઓ સાજા થયા છે. જોકે, રિકવરી રેટ ઘટીને ૮૧.૯૦ ટકા થયો છે અને મૃત્યુદર ૧.૦૯ ટકા રહ્યો છે.

દેશમાં કોરોનાના ૩૭.૨૩ લાખ એક્ટિવ કેસમાં ૮૦.૬૮ ટકા કેસ ૧૨ રાજ્યોમાં છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬.૫૭ લાખ, કર્ણાટકમાં ૫.૩૬ લાખ, કેરળમાં ૪.૦૨ લાખ, ઉત્તર પ્રદેશમાં ૨.૫૪ લાખ અને રાજસ્થાનમાં ૧.૯૯ લાખનો સમાવેશ થાય છે. વ્યાપક પ્રમાણમાં એક્ટિવ કેસ ધરાવતા અન્ય રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને બિહારનો સમાવેશ થાય છે. કોરોનાના ૪.૦૧ લાખ નવા કેસમાં ૭૦.૭૭ ટકા કેસ ૧૦ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેરની વિનાશક્તા વચ્ચે રાહતની બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં દેશના ૧૮૦ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે ૧૮ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસથી, ૫૪ જિલ્લામાં ૨૧ દિવસથી અને ૩૨ જિલ્લામાં ૨૮ દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તામિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને રાજ્યોમાં કોરોનાની સ્થિતિનિ સમિક્ષા કરી હતી. કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપતાં જણાવ્યું છે કે હવે કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના પોઝિટિવ રિપોર્ટ હોવો ફરજિયાત નથી. આ સાથે કેન્દ્રે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટેની રાષ્ટ્રીય નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં નિર્દેશ આપ્યા છે કે કોઈપણ શહેરના કોરોનાના દર્દીને કોઈપણ શહેરની હોસ્પિટલો ઓક્સિજન અને  આવશ્યક દવાઓ સહિત કોઈપણ સેવા આપવાનો ઈનકાર કરી શકશે નહીં. અન્ય રાજ્યોના દસ્તાવેજો ધરાવતા કોરોનાના દર્દીઓને બીજા રાજ્યની હોસ્પિટલો દાખલ ન કરતી હોવાની ફરિયાદોને પગલે કેન્દ્ર સરકારે આ નિર્દેશો આપ્યા છે. કોરોનાના દર્દીઓ કેન્દ્રિત આ નીતિનો આશય દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર પૂરી પાડવાનો છે.

દરમિયાન કોરોનાના કેસ સતત વધવાના કારણે તામિલનાડુએ ૧૦મી મેથી ૨૪મી મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ વધીને ૨૫,૦૦૦ થતાં અનિવાર્ય કારણોસર અને જિલ્લા કલેક્ટરો સાથેની બેઠક પછી રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.