×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાની બીજી લહેરથી ભારતીય અર્થતંત્રની રિકવરી નબળી પડશે : મૂડીઝ


નવી દિલ્હી, તા. ૧૩

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરથી ભારતીય અર્થતત્રની રિકવરી નબળી પડી શકે છે તેમ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસીસે એક નિવેદનમાં જણાવ્યું છે. મૂડીઝના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૨માં ભારતનો ૧૩.૭ ટકાના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો થવાની શક્યતા છે. મૂડીઝના જણાવ્યા અનુસાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૃરી પ્રતિબંધોની આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે. 

એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાને અંકુશમાં લેવા માટે જાહેર કરાયેલા પ્રતિબંધો એપ્રિલ અંત સુધી રહેશે જેના કારણે અર્થતંત્ર નબળું પડશે. જો કે જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં જ પ્રતિબંધ મૂકવા અને વેક્સિન અભિયાનની ઝડપને કારણે અર્થતંત્રને થનારું નુકસાન ઘટી જશે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી ભારતમાં દરરોજ એક લાખથી વધારે કોરોનાના કેસો સામે આવે છે. મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા અને ગુજરાત સહિતના રાજ્યોમાં રાત્રિ કરફયુ અમલમાં મૂકવામાં આવ્યો છે. નાઇટ કરફ્યુ ઉપરાંત કામના કલાકોમાં ઘટાડો અને આંશિક લોકડાઉન જેવા ઉપાયો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. 

માર્ચમાં મેન્યુફેકચરિંગ અને સર્વિસ બંને સેક્ટરના પીએમઆઇમાં ઘટાડો નોંધાયો હતો જે ઇન્ફેકશનની પ્રતિકૂળ અસરના પ્રથમ સંકેત છે. 

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)એ નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ભારતનો આર્થિક વિકાસના દરનો અંદાજ ૧૧.૫ ટકાથી વધારે ૧૨.૫ ટકા કર્યો હતો. જો કે આઇએમએફએ ચેતવણી આપી હતી કે જો ભારત કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ જશે તો આર્થિક વિકાસનો આ દર હાંસલ નહીં કરી શકે. 

ગૂગલ મોબિલિટી ડેટા અનુસાર ૨૪ ફેબુ્રઆરીની સરખામણીમાં સાત એપ્રિલના રોજ રિટેલ અને રિક્રિએશન પ્રવૃત્તિઓમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. 

જો કે મૂડીએ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને બદલે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવાના કારણે દેશના અર્થતંત્રને ગયા વર્ષ જેટલું નુકસાન થશે નહીં. 

મૂડી વધુમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાનો મૃત્યુ દર અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછો છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી ૧,૭૦,૧૭૯ લોકોના મોત થયા છે. કોરોનાના કેસો વધવા છતાં મૂડીઝે ૨૦૨૧માં ભારતના આર્થિક વિકાસનો દર ડબલ ડિજિટમાં રહેવાની શક્યતા છે.