×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ મહારાષ્ટ્રમાં પૂર્ણ લોકડાઉનની આશંકા


નવી દિલ્હી, તા.૧
ભારતમાં નવા વર્ષના પહેલા જ દિવસે ફરી એક વખત કોરોના મહામારીએ ઉથલો મારતા ત્રીજી લહેર શરૂ થઈ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. દેશમાં લગભગ ત્રણ મહિના પછી એક જ દિવસમાં કોરોનાના ૨૦,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે અને એક્ટિવ કેસ પણ વધીને ૧ લાખને પાર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ૯,૧૭૦ કેસ સામે આવતાં રાજ્ય સરકારે પૂર્ણ લોકડાઉન લાગુ કરવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજીબાજુ દિલ્હીમાં કોરોનાના ૨,૭૧૬, બંગાળમાં ૪,૫૧૨ અને ગુજરાતમાં ૧,૦૬૯ કેસ સામે આવ્યા છે. જોકે, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોરોનાના જોખમ છતાં અર્થતંત્રની ગતિ નહીં અટકે.
નવા વર્ષના પહેલાં જ દિવસે દેશભરમાં કોરોનાના કેસમાં અસાધારણ ઊછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારે આગામી સમયમાં કોરોનાના કેસ ૮૦ લાખ થવાની અને મૃત્યુઆંક ૮૦,૦૦૦એ પહોંચવાની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના ૮૦ લાખ કેસ સામે આવવાની અને ૮૦,૦૦૦નાં મોત થવાની આશંકા વ્યક્ત કરી છે. મુંબઈમાં એક દિવસમાં કોરોનાના ૬,૩૪૭ કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શનિવારે જણાવ્યું હતું કે રાજ્યના ૧૦થી વધુ મંત્રી અને ૨૦ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના નવા ૨,૭૧૬ કેસ નોંધાયા હતા, જે ૨૧મી મે પછી એક દિવસના સૌથી વધુ કેસ છે. દિલ્હીમાં સંક્રમણનો દર પણ વધીને ૩.૬૪ ટકા થઈ ગયો છે.
પશ્ચિમ બંગાળમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાના ૪,૫૧૨ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના એક્ટિવ કેસ ૧૩,૩૦૦ થયા છે જ્યારે રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક ૧૯,૭૭૩ થયો છે. કર્ણાટકમાં પણ કોરોનાના નવા ૧,૦૩૩ કેસ સામે આવ્યા હતા, જ્યારે પાંચનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં એક્ટિવ કેસ ૯,૩૮૬ થયા હતા. કેરળમાં કોરોનાના નવા ૨,૪૩૫ કેસ નોંધાયા હતા જ્યારે ૨૨નાં મોત નીપજ્યાં હતા. તામિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૪૮૯ કેસ સામે આવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના નવા ૩૮૩ કેસ સામે આવ્યા છે. છ દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યામાં નવ ગણો ઊછાળો થયો છે. ઉત્તર પ્રદેશમાં અગાઉ છ મહિના પહેલા એક દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં એક દિવસમાં કોરોનાના ૨૨,૭૭૫ કેસ નોંધાયા હતા, જે ૬ઠ્ઠી ઓક્ટોબર પછી એક દિવસમાં સૌથી વધુ કેસ છે. એક્ટિવ કેસનો આંકડો પણ ૧ લાખને પાર થઈ ગયો હતો. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૮,૬૧,૫૭૯ થયા છે. ઓમિક્રોનના કુલ કેસ ૧,૪૫૦ને પાર થઈ ગયા છે. દેશમાં શનિવારે વધુ ૪૦૬નાં મોત સાથે મૃત્યુઆંક ૪,૮૧,૦૮૦ થયો હતો.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને મહામારીનો સામનો કરવા માટે કામચલાઉ હોસ્પિટલો ઊભી કરવા અને હોમ આઈસોલેશનમાં દર્દીઓના નિરીક્ષણ માટે વિશેષ ટીમો બનાવવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસમાં અચાનક ઊછાળો આવતાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે.