×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતનો મધ્યમ આવક ધરાવતો વર્ગ સોનાનો સૌથી મોટો વપરાશકાર, કુલ વોલ્યુમમાં 56% હિસ્સો


- 75 ટકાથી વધુ ભારતીય કુટુંબ માને છે કે સોનું હોવું જ જોઈએ. 90 ટકા પરિવારોએ સોનું ખરીદતી વખતે રોકડમાં ચુકવણી કરી : IGPC સર્વે

મુંબઈ, તા.11 એપ્રિલ 2022,સોમવાર 

ભારતના વિવિધ આવક ધરાવતા વર્ગમાં મધ્યમ આવક ધરાવતું જૂથ, જેની વાર્ષિક આવક રૂ. 2 લાખથી રૂ. 10 લાખ વચ્ચે છે, તે સોનાનો સૌથી મોટો વપરાશ વર્ગ છે. એક અહેવાલ અનુસાર મિડલ ઈન્કમ ગ્રુપ ભારતાં વેચાતી પીળી ધાતુના કુલ વોલ્યુમના સરેરાશ 56 ટકાનો ખરીદાર છે. 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A) ખાતે ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC) દ્વારા કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી ઘરેલુ સોનાના વપરાશના સર્વેમાં જણાવાયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર વર્ગ મધ્યમ આવક ધરાવતો વર્ગ છે. શ્રીમંતોમાં સોનાની માથાદીઠ વપરાશ સૌથી વધુ છે પરંતુ કુલ વોલ્યુમ હજુ પણ મધ્યમ-આવક જૂથ પર જ આધારિત છે. 

વધતી આવક સાથે સોનાનો વપરાશ કરવાની વૃત્તિ વધી રહી છે. જોકે પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો આવકના સમાન પ્રમાણમાં વધતો નથી. ટોચની આવક ધરાવતા વર્ગમાં ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ (પેપર ગોલ્ડ) માટે રસ વધી રહ્યો છે. મૂલ્યની દ્રષ્ટિએ કુલ વપરાશમાં શહેરી વિસ્તારનો હિસ્સો 70 ટકાની નજીક છે.

આઈજીપીસીના સર્વેક્ષણના તારણો અનુસાર સોનું ભારતીયોમાં ‘ફરજિયાત હોવું જ જોઈએ’ની મનોગ્રંથિ છે. 75 ટકાથી વધુ ભારતીય કુટુંબ માને છે કે કોઈને કોઈ સ્વરૂપે સોનું પોતાની પાસે હોવું જોઈએ. હજીપણ લગ્નસરામાં સોનાની ખરીદી માંગનું મુખ્ય કારણ રહ્યું છે, 43 ટકા ભારતીય પરિવારોએ પ્રસંગોપાત સોનું ખરીદ્યું છે, ત્યારબાદ 31 ટકા લોકોએ તેને ‘કોઈ ચોક્કસ હેતુ’ માટે ખરીદી હતી.

આઈજીપીસીએ જણાવ્યું હતું કે, ડિમોનેટાઈઝેશન અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલીકરણથી વપરાશને અસર થઈ નથી. છેલ્લાં પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 74 ટકા પરિવારોએ સોનું ખરીદવાની વાત સ્વીકારી હતી અને આવા 90 ટકા પરિવારોએ સોનું ખરીદતી વખતે રોકડમાં ચુકવણી કરવાનું પસંદ કર્યું હતું.

કોરોનાકાળમાં ઈક્વિતી બજારમાં જોવા મળેલ ધમાલ બાદ હવે ફરી બેંકના નીચા વ્યાજદર અને મોંઘવારીને કારણે નેગેટીવ રિટર્નની સામે હવે બજારમાં લિક્વિડિટી સંકોચાતા અને અમેરિકા-ચીન અને હવે યુદ્ધના માહોલ વચ્ચે સોનું ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે ઉભરી આવ્યું છે.

સ્થાનિક માંગને પગલે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતની સોનાની આયાત 33.34 ટકા વધીને 46.14 અબજ ડોલર થઈ છે. ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો વપરાશકાર દેશ છે. આયાત મોટાભાગે જ્વેલરી ઉદ્યોગ દ્વારા જ થઈ રહી છે. નાણાકીય વર્ષ 2022 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની નિકાસ લગભગ 50 ટકા વધીને લગભગ 39 અબજ ડોલર થઈ હતી.

આ દરમિયાન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર સોનાના ભાવ જાન્યુઆરી-માર્ચ, 2022ના સમયગાળામાં સતત બીજા ક્વાર્ટરમાં વધ્યા હતા. આ સમયગાળામાં તે 8 ટકા વધીને 1942 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જોવા મળ્યાં હતા- જે એપ્રિલ-જૂન 2020ના કવાર્ટર બાદનું શ્રેષ્ઠ ત્રિમાસિક પ્રદર્શન છે.

આવક સમૂહ

સોનાની ખરીદી વોલ્યુમમાં(ટન)

સોનાની ખરીદી મૂલ્યમાં(રૂપિયા)

માથાદીઠ વપરાશ(ગ્રામ)

 

 

 

 

રૂ. 1 લાખથી ઓછી

21

11,366.5

7.71

રૂ. 1 લાખથી 2 લાખ

58

28,968

9.57

રૂ. 2 લાખથી 5 લાખ

78

39,446.8

9.27

રૂ. 5 લાખથી 10 લાખ

59

29,633.2

11.13

રૂ. 10 લાખથી 20 લાખ

43

21,680.8

13.99

રૂ. 20 લાખથી વધુ

9

4241.8

27.4

કુલ

268

1,35,327.1

-