×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને રૂ.2,288 કરોડની લોન આપશે જાપાન : આ બે મોટા પ્રોજેક્ટોનો થશે ઝડપી વિકાસ

નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી-2023, સોમવાર

જાપાન મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ અને મિઝોરમમાં સુપર-સ્પેશિયાલિટી કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર માટે ભારતને રૂ. 2,288 કરોડની લોન આપશે. સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે જાપાને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે 30.755 બિલિયન જાપાની યેન (આશરે રૂ. 1,728 કરોડ) અને મિઝોરમમાં કેન્દ્રને વિકસાવવા માટે 9.918 બિલિયન જાપાની યેન (આશરે રૂ. 560 કરોડ) મંજૂર કર્યા છે.

1958થી ભારત-જાપાન વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધ

સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુંબઈને નવી મુંબઈ સાથે જોડી મેટ્રોપોલિટન ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવાનો છે. આ સુવિધાથી ટ્રાફિક જામ ઘટશે અને મુંબઈના આર્થિક વિકાસને ઝડપ મળશે. આ પ્રોજેક્ટ માટે લોનનો આ ત્રીજો હપ્તો છે. નિવેદનમાં વધુમાં કહેવાયું કે, 1958થી ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય વિકાસ સહયોગ લાંબો ઈતિહાસ ધરાવે છે. મિઝોરમમાં સુપર-સ્પેશિયાલિટી કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટરનો ઉદ્દેશ્ય કેન્સર પર નિયંત્રણ, તેના પર સંશોધન અને સારવાર તેમજ માનવ સંસાધન વિકાસનો છે. મિઝોરમમાં કેન્સર હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવામાં ફાળો આપશે.

ભારતમાં જાપાનની 1439 કંપનીઓ કાર્યરત

ઔદ્યોગિક સંગઠન FICCIના અહેવાલ મુજબ, ભારતમાં હાલમાં 1439 જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે, જ્યારે ચીનમાં 13,000-15,000 જાપાનીઝ SME કંપનીઓ કાર્યરત છે, જે જાપાનના કુલ SMEના 40-60 ટકા છે. ચીનમાં કામ કરતી જાપાનીઝ કંપનીઓ છેલ્લા 4 વર્ષથી ભારતમાં રોકાણ કરવાની તકો શોધી રહી છે અને આ માટે ભારત સરકાર સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજવામાં આવી છે.