×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતની હરનાઝ સંધૂ બની મિસ યુનિવર્સ, બાળપણમાં મિત્રો દૂબળા શરીરની ઉડાવતા હતા મજાક


- અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ આ વખતે મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધાને જજ કરી હતી

નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર, 2021, સોમવાર

મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતની હરનાઝ સંધૂને મળ્યો છે. આ વર્ષે 12 ડિસેમ્બરના રોજ ઈઝરાયેલ ખાતે 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ ટોપ-3માં 3 દેશોની મહિલાઓએ સ્થાન મેળવ્યું જેમાં એક ભારતની હરનાઝ સંધૂ પણ સામેલ હતી. જોકે, સાઉથ આફ્રિકા અને પરાગ્વેની બંને સુંદરીઓને પાછળ છોડીને ભારતની હરનાઝ સંધૂએ બ્રહ્માંડ સુંદરીનો તાજ પોતાના નામે કર્યો છે. ભારતથી દિયા મિર્ઝા પણ આ ફંક્શનનો ભાગ બનવા માટે ત્યાં પહોંચી હતી. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ આ વખતે મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધાને જજ કરી હતી.


ત્રણેય ટોપ સ્પર્ધકોને સવાલ પુછવામાં આવ્યો હતો કે, દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? હરનાઝ સંધૂએ આનો જવાબ આપ્યો કે, તમારે એ માનવું જોઈએ કે, તમે અદ્વિતીય છો અને તે જ તમને ખૂબસુરત બનાવે છે. બાહર આવીને પોતાના માટે બોલતા શીખો કારણ કે, તમે જ તમારા જીવનના નેતા છો. આ જવાબની સાથે જ હરનાઝ સંધૂએ આ વર્ષનો મિસ યુનિવર્સ ખિતાબ પોતાના નામે કર્યો છે. 

કોણ છે હરનાઝ

પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધૂ વ્યવસાયે મોડેલ છે. 21 વર્ષીય હરનાઝે મોડેલિંગ સહિતની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેવા અને જીતવા ઉપરાંત અભ્યાસમાં પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું. હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. તેના પછી તેમણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. 

વજન બાબતે રહેતી તણાવમાં

રિપોર્ટ અનુસાર સ્કુલ દિવસોમાં પાતળી હોવાના કારણે તેની મજાક ઉડાડવામાં આવતી હતી. હરનાઝે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે મેં પણ પાતળા શરીર અને ઓછા વજનના કારણે તણાવ અનુભવ્યો હતો. જોકે એમાંથી બહાર નીકળવા માટે જરૂરી છે કે, તમે એક એવા વ્યક્તિ પર ભરોસો કરો કે જેને તમે પોતાની બધી મુશ્કેલીઓ કોઈ પણ ખચકાટ વગર શેર કરી શકો. આમાંથી બહાર નિકળવા માટે મારા પરિવારે પૂરો સાથ આપ્યો.