×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ભારતની સૌથી ભદ્દી ભાષા કઈ છે' સર્ચ રિઝલ્ટ બાદ ગૂગલે માંગવી પડી માફી


- અમે સતત અમારા અલ્ગોરિધમને યોગ્ય કરવા કામ કરી રહ્યા છીએઃ ગૂગલ

નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર

ગૂગલ સર્ચ એન્જિન પર ગુરૂવારે બનેલી એક ઘટના બાદ કન્નડ ભાષીઓએ ગૂગલને આડે હાથ લેવાનું શરૂ કર્યું હતું અને આખરે ગૂગલે માફી માંગવી પડી હતી. હકીકતે ગૂગલ સર્ચ એન્જિન પર 'ભારતની સૌથી ભદ્દી ભાષા કઈ છે' આવું સર્ચ કરવા પર જવાબમાં 'કન્નડ' લખાયેલું આવતું હતું. કન્નડ ભાષીઓને આ અંગે જાણ થવાની શરૂ થઈ એટલે તેમણે ગૂગલને તે દૂર કરી માફી માંગવા કહેવાનું શરૂ કરી દીધું હતું. અનેક મોટા કન્નડ નેતાઓએ પણ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.

બેંગલુરૂ સેન્ટ્રલ ખાતેથી સાંસદ પીસી મોહને જણાવ્યું કે, 'વિજયનગર સામ્રાજ્ય માટે કન્નડ ભાષા પાસે એક સમૃદ્ધ વારસો છે. વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓ પૈકીની એક કન્નડ ભાષાના મહાન વિદ્વાનોએ જેફ્રી ચૌસરથી પણ ઘણા સમય પહેલા મહાકાવ્ય લખી નાખ્યા હતા. ગૂગલે માફી માંગવી જોઈએ.'

ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી સીટી રવિએ કહ્યું હતું કે, 'જર્મનીના કે રેવ. ફર્દિનેંડ કિટેલે 24 વર્ષના અભ્યાસ બાદ પ્રથમ કન્નડ-અંગ્રેજી ડિક્શનરી બહાર પાડી હતી. ટૉલેમીએ પણ પોતાના ગ્રંથમાં કન્નડ ભાષાનો ઉલ્લેખ કર્યો છે. પછી તે કઈ રીતે એક ભદ્દી ભાષા બની ગઈ?'

કન્નડ ભાષીઓ દ્વારા કરવામાં આવેલા ભારે વિરોધ બાદ ગૂગલે સર્ચ એન્જિન પરથી આ પ્રકારનો જવાબ દૂર કર્યો હતો. ત્યાર બાદ માફી માંગવા સાથે એક સ્પષ્ટતા પણ આપી હતી. ગૂગલે કહ્યું હતું કે, 'સર્ચ હંમેશા પરફેક્ટ નથી હોતું. ઈન્ટરનેટ પર જે રીતે કોઈ કન્ટેન્ટ પરિભાષિત કરવામાં આવે છે, કોઈ સવાલના જવાબમાં તે જ રીતે રિઝલ્ટ સામે આવી શકે છે. અમે જાણીએ છીએ કે આ આઈડિયલ નથી. પરંતુ જો અમને કોઈ ફરિયાદ કરવામાં આવે તો અમે તરત જ તેને ઠીક કરી દઈએ છીએ. અમે સતત અમારા અલ્ગોરિધમને યોગ્ય કરવા કામ કરી રહ્યા છીએ. જરૂરી નથી કે આ પ્રકારના રિઝલ્ટ ગૂગલના ઓપિનિયનને રિફ્લેક્ટ કરતા હોય. અમે આ ગેરસમજ અને લોકોની લાગણી દુભાવવા બદલ માફી માંગીએ છીએ.'