×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના જે મુસ્લિમો તાલીબાન શાસનની ઉજવણી કરે છે તે ભયજનક છે : નસીરૂદ્દીન


વિશ્વમાં પ્રવર્તતા ઇસ્લામ કરતા 'હિન્દુસ્તાનનો ઇસ્લામ' અલગ છે

''પ્રત્યેક મુસ્લિમે પ્રશ્ન કરવો જોઈએ કે આપણને આધુનિક ઇસ્લામ જોઈએ છે કે સદીઓ જૂની લુંટારાવૃત્તિ ?''

મુંબઈ : અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં ફરી શાસનની ધૂરા આવતા તેઓએ તેમની પરંપરાગત શૈલી પ્રમાણે લૂંટ, હત્યા, બળાત્કાર અને ભયનો માહોલ ખડો કરી દીધો છે. આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે અફઘાનિસ્તાનના સમાન ધર્મી નાગરિકો જ અન્ય દેશોમાં જીવ પડીકે બાંધીને હિજરત કરી રહ્યા છે. 21મી સદીમાં જાણે પાશવી આદિ યુગ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

તાલિબાનોના હાથમાં સત્તાનું સુકાન આવતા ભારતમાં મુસ્લિમોનો એક બહોળો વર્ગ ઉજવણીના મુડમાં છે. બરાબર આ જ સમયે હિન્દી ફિલ્મ અભિનેતા નસીરૂદ્દીન શાહે ઉર્દૂમાં એક વિડિયો જારી કર્યો છે જેમાં ભારે નિડરતાથી જણાવ્યું છે કે, ભારતના જે મુસ્લિમો તાલિબાન શાસનને આવકારતા ઉજવણી કરે છે તે ઇસ્લામ ધર્મીઓના ભાવિ માટે જ ભયજનક છે.

નસીરૂદ્દીન શાહે સ્પષ્ટ કર્યું છે કે, 'હિન્દુસ્તાન ઇસ્લામ' તે વિશ્વમાં ઇસ્લામ જે રીતે પળાઈ રહ્યો છે તેના કરતા અલગ છે. તેમણે કહ્યું કે, ''તાલિબાનો સત્તા પર આવ્યા તે વિશ્વમાં ચિંતાનું કારણ બન્યું છે. ભારતમાં જે મુસ્લિમો તાલિબાન શાસનના આગમન બદલ ખુશી અનુભવે છે તેઓએ તેમની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેઓ નવા સકારાત્મક તેમજ વિકસતા વિશ્વ સાથેનો આધુનિક ઇસ્લામ ઇચ્છે છે કે સદીઓ જુનો ઘાતક લૂંટારા વૃત્તિ ધરાવતો ઇસ્લામ.

નસીરૂદ્દીને ચિંતા સાથે ભય વ્યક્ત કર્યો હતો કે, આપણે એવી આશા રાખીએ કે આપણે નિમ્નતાના એવા સ્તરે ન ચાલ્યા જઈએ કે ખુદની પહેચાન જ ન રહે.  તેમણે કહ્યું કે, તે રાજકીય ધર્મની પરિભાષામાં નથી માનતા. મારો ઇસ્લામ ધર્મ મિર્ઝા ગાલિબનો ઇસ્લામ ધર્મ છે. મારો અલ્લાહ સાથેનો નાતો મારો પોતિકો છે જે બીન રાજકીય કે વ્યવસ્થા ખડી કરવાનો નથી.

નસીરૂદ્દીને વીડિયો મેસેજમાં કહ્યું છે કે હિન્દુસ્તાની ઇસ્લામ દુનિયાભર કે ઇસ્લામ સે હમેશા મુખ્તલિફ રહા હે. ખુદા વોહ વક્ત ના લાયે કે વોહ ઇતના બદલ જાયે કે હમ ઉસે પહેચાન હી ન સકે.' નસીરૂદ્દીનના આ વિડિયો પછી તેના ઘણા ફોલોઅર્સે તેની પ્રશંસા કરી હતી જ્યારે તેટલી જ માત્રામાં તેના પર રોષ ઠાલવાયો છે કે, 'આવી કોમેન્ટથી દૂર રહી ફિલ્મની એક્ટિંગમાં જ ધ્યાન આપો તો સારૂં.' એવી પણ કોમેન્ટ થઈ છેકે જે વ્યક્તિ ઇસ્લામને પાળતો નથી તે ઇસ્લામમાં નવસર્જનની વાત કરે છે.