×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના કૌભાંડીઓની અમેરિકનો સાથે રૂ. 80,000 કરોડની છેતરપિંડી


- દેશમાંથી થતાં નકલી કોલ સેન્ટર સ્કેમનો અમેરિકામાં હાહાકાર 

- નકલી કોલ સેન્ટર થકી અમેરિકન નાગરિકોની છેતરપિંડીમાં એક જ વર્ષમાં 47 ટકાનો વધારો : એફબીઆઈના અધિકારીની દિલ્હીમાં નિમણૂક

- અમેરિકન નાગરીકો સાથે વધી રહેલી છેતરપિંડીથી વૈશ્વિક સ્તરે ભારતનું નામ ખરડાયું

અમદાવાદ : ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી, આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર વિશ્વમાં સૌથી અવ્વલ આવે છે પણ આ કોલ સેન્ટર સાથે ભારતનું નામ વૈશ્વિક રીતે ખરડાય એવા જંગી કૌભાંડ પણ ચાલી રહ્યા છે. છેલ્લે એક વર્ષમાં ભારતના નકલી કોલ સેન્ટર કૌભાંડ થકી અમેરિકન નાગરીકોને રૂ. ૮૦,૦૦૦ કરોડ (અમેરિકન ચલણમાં ૧૦ અબજ ડોલર)નો ચૂનો લાગ્યો હોવાનો ચોંકાવનારો અહેવાલ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) થકી આવ્યો છે. એટલું જ નહી, અમેરિકન સરકાર એટલી ચિંતિત છે કે તેણે ભારતની નવી દિલ્હી ખાતેની એમ્બેસીમાં એફબીઆઈના એક અધિકારીની ખાસ નિમણુક કરી છે. આ અધિકારી ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) અને વિવિધ રાજ્યોની પોલીસ સાથે મળી આવા કૌભાંડીઓને પકડી પાડવામાં મદદ કરી રહ્યા છે. 

એફબીઆઈના અહેવાલ અનુસાર ટેકનોલોજીમાં સહાય કરવાના નામે (ટેક સપોર્ટ) કે રોમાન્સના નામે ફોન કરી કે વેબસાઈટ ઉપર પોપ-અપ મૂકી થતી છેતરપીંડીની ઘટનાઓમાં જ અમેરિકન નાગરીકોએ ત્રણ અબજ ડોલર (એટલે કે રૂ.૨૪,૦૦૦ કરોડ) ઓળવી લેવાયા છે. વર્ષ ૨૦૨૧માં ભારતીય કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરીકો સાથે થયેલી કુલ છેતરપીડીમાં કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરીથી નવેમ્બરના ૧૧ મહિનામાં ૪૭ ટકાનો વધારો થયો છે અને હવે આંક ૧૦ અબજ ડોલર પહોંચ્યો છે. 

એફબીઆઈના ભારત ખાતેના અધિકારીએ જણાવ્યું હતું જે અમેરિકન નાગરીકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવે છે તેવા મોટાભાગના કિસ્સામાં તેમની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધારે હોય છે. અમેરિકા માટે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો નથી પણ નાગરીકોના ધનનું રક્ષણ કરવા માટે અને ભારતની ઈજ્જત વિશ્વના સ્તરે ધૂળધાણી થઇ રહી છે. 

વર્ષ ૨૦૨૧માં ભારત થકી થઇ રહેલા કૌભાંડો સામે અમેરિકાના એફબીઆઈને કુલ ૮.૫ લાખ ફરિયાદ મળી હતી અને એ સમયે લગભગ ૬.૯ અબજ ડોલરની રકમ આવા કેસોમાં એંઠવામાં આવી હતી. આ વર્ષે ૭.૮ લાખ ફરિયાદ મળી છે અને નાગરીકો સાથે ૧૦.૨ અબજ ડોલરની છેતરપીંડી થઇ છે. અમેરિકન સરકારના આંકડા અનુસાર ટેક્નલોજી સપોર્ટના નામે અમેરિકન નાગરિકો પાસેથી રૂ. ૯,૦૦૦ કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ વર્ષે આવા કેસોમાં ૧૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. અમેરિકન નાગરીકો સાથે વધી રહેલી છેતરપીંડીના કારણે અને ખાસ કરીને વરિષ્ઠ નાગરીકો સાથે થઇ રહેલા ગુન્હાના કારણે એફબીઆઈના એક ખાસ અધિકારી હવે નવી દિલ્હીમાં અમેરિકન એમ્બેસીમાં નિમાયા છે. સીબીઆઈ અને ઇન્ટરપોલ સાથે મળીને કામ કરી રહ્યા છે. સીબીઆઈ જ્યારે કોલ સેન્ટર કે અન્ય પ્રકારના ગુન્હાની તપાસ કરે, તેમાં દરોડા પાડે કે તેના સંચાલકોની અટકાયત કરે ત્યારે એફબીઆઈ વધારે સારી રીતે સંકલન થાય, અમેરિકન સરકાર પાસેથી તરત જ માહિતી ઉપલબ્ધ બને અને કૌભાડીઓનો કોઈ સાગરિત અમેરિકામાં હોય તો તેના ઉપર પણ જલ્દીથી પગલાં લેવાય તેના માટે સાથે મળી કામ કરી રહ્યા છે. 

ગુજરાતીની એક કંપનીએ જ બે કરોડ ડોલર એંઠી લીધા

સીબીઆઈએ અગાઉ એક દરોડો પાડી ગુજરાત સ્થિત ઈ સંપર્ક સોફ્ટેક પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની અને તેના ડીરેક્ટર દ્વારા ચાલતા આવા નકલી કોલ સેન્ટર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. 

આ કંપનીએ લગભગ ૨ કરોડ ડોલર (રૂ.૧૬૦ કરોડ) અમેરિકન નાગરીકો સાથે છેતરપીડી કરી એકત્ર કર્યા હોવાનું એજન્સીએ નવી દિલ્હીની કોર્ટમાં જણાવ્યું હતું. અમેરિકન સરકારની વિવિધ એજન્સીના નંબરોની નકલ કરી વોઈસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી) થકી કોલ ટ્રાન્સફર કરી છેતરપીડી આચરી હોવાનું સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું. 

અમેરિકન એજન્સીનો નંબરનો ઉપયોગ કરી અમેરિકન નાગરીકોને દંડ ભરવા, કોઈ વસૂલાત કરવા માટે ડરાવી ધમકાવી આ કંપની નાણા એંઠવાનું કૌભાંડ ચલાવતી હતી. ઈ સંપર્કના ડીરેક્ટર સંકેત ભદ્રેશ અને તેના સાથીદારોએ ૨૦૧૫થી આ કામ શરુ કર્યું હોવાનો પણ એજન્સીએ દાવો કર્યો હતો.

કોલસેન્ટર કૌભાંડમાં સૌથી વધુ ભોગ કેવી રીતે બન્યા

મોડેસ ઓપરેન્ડી

રકમ અબજ ડોલર

લોભામણા રોકાણ માટે

૩.૦

બિઝનેસ ઈમેઈલ હેક કરી

૨.૪

વ્યક્તિગત ડેટા એકત્ર કરી તેનું હેકિંગ કરી

૧.૨

રોમાન્સ

૧.૦

ટેકનોલોજીમાં સપોર્ટના બહાને

૦.૮