×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતથી થાઈલેન્ડ 1400 કિમીના હાઈવેનું 70% કામ પૂર્ણ, ચીનનું વધ્યું ટેન્શન

નવી દિલ્હી, તા.28 જૂન-2023, બુધવાર

બીજા વિશ્વ યુદ્ધ સમયે બનેલા ભારતથી ચીન સુધીના એક માત્ર સ્ટિલવેલ રોડની તર્જ પર એશિયન હાઈવેનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. આ હાઈવે મણિપુરથી પ્રવેશી મ્યાનમાર અને ત્યાંથી થાઈલેન્ડ સુધી જશે. આ પ્રોજેક્ટ મોદી સરકારની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ તૈયાર થઈ રહ્યો છે અને તેનું 70 ટકા સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે.

પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ : નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, તેઓ કામની સ્થિતિ જોવા ગયા હતા અને તાજેતરની સ્થિતિ મુજબ અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ગડકરીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ મણિપુરમાં હિંસાની સ્થિતિના કારણે સામાન્ય સમસ્યાઓને કારણે કામ આંશિક અટક્યું હતું. જોકે આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

2027 સુધીમાં પૂરો થઈ જશે ભારતથી થાઈલેન્ડ વચ્ચેનો રોડ પ્રોજેક્ટ 

આ હાઈવે વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થવાની આશા છે, ત્યારબાદ ભારતમાંથી થાઇલેન્ડ જવાનું સરળ બનશે. લોકો ફ્લાઈટને બદલે કાર દ્વારા થાઈલેન્ડ જઈ શકશે. ભારત-મ્યાનમાર અને થાઈલેન્ડે ભેગા મળીને હાઈવે બનાવી રહ્યા છે, જેની કુલ લંબાઈ લગભગ 1400 કિલોમીટર છે. તત્કાલીન વાજપેયી સરકાર દ્વારા આ પ્રોજેક્ટની દરખાસ્ત કરાઈ હતી, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2014માં મોદી સરકાર આવ્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું.

આ દેશો અને શહેરોને જોડશે હાઈવે

ત્રણ દેશોને જોડતો આ હાઈવે કોલકાતાથી શરૂ થઈને સિલીગુડી સુધી જાય છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળની શ્રીરામપુર બોર્ડરથી કૂચબિહાર થઈને આસામમાં પ્રવેશે છે. આસામથી દીમાપુર અને નાગાલેન્ડ સુધીની મુસાફરી કર્યા બાદ આ હાઈવે મણિપુરમાં ઈમ્ફાલ નજીક મોરેહ નામના સ્થળેથી વિદેશમાં એટલે કે મ્યાનમારમાં પ્રવેશ કરશે. મુસાફરો મ્યાનમારના બાગો અને યાંગોન થઈને થાઈલેન્ડમાં પ્રવેશી શકશે.

હાઈવે બન્યા બાદ ચીનની અર્થવ્યવસ્થાને થશે નુકસાન

એવું માનવામાં આવે છે કે, આ હાઈવે પૂર્ણ થયા બાદ ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તો ચીનની અર્થવ્યવસ્થાને નુકસાન થસે. ચીનનો વેપાર એશિયાઈ દેશોમાં ફેલાઈ ગયો છે, પરંતુ જ્યારે આ દેશો સાથે ભારતની કનેક્ટિવિટી વધશે ત્યારે આ દેશોની ચીન પરની નિર્ભરતા ઘટશે અને ઘણા દેશો ભારત તરફ વળશે.