×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપનો ઉદ્ધવ ઠાકરે પર પલટવાર- ઈમરજન્સી વખતે શિવસેનાએ કરી હતી ઈન્દિરા સાથે સમજૂતી


-  ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકોની સત્તા ભૂખ ડ્રગ્સ એડિક્શન જેવી થઈ ગઈ છે

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર, 2021, શનિવાર

મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પલટવાર કર્યો હતો. આ સાથે જ એવો આરોપ પણ લગાવ્યો હતો કે, શિવસેનાએ ઈમરજન્સીની જાહેરાત વખતે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે સમજૂતી કરી હતી. હકીકતે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની દશેરાની રેલી દરમિયાન સંઘ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. 

ચંદ્રકાંત પાટિલે જણાવ્યું કે, ઠાકરે સંઘ પર એવું કહીને નિશાન સાધી રહ્યા છે કે, તેમણે સ્વતંત્રતા આંદોલનમાં હિસ્સો નથી લીધો. હું એ જાણવા માગુ છું કે શિવસેના એ સમયે ક્યાં હતી જ્યારે એ ઈન્દિરા ગાંધી સાથે સમજૂતી કરવામાં આવી રહી હતી જેમણે ઈમરજન્સી લગાવી, અનેક નેતાઓ, કાર્યકરો અને પત્રકારોને જેલમાં મોકલ્યા. તેમણે લોકતંત્રની હત્યાનો પ્રયત્ન કર્યો. 

પાટિલે જણાવ્યું કે, ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. પરંતુ તેઓ જાણીજોઈને એ વાત ભૂલી ગયા કે, કોરોના મહામારી વખતે પીપીઈ કિટ, માસ્ક, વેક્સિન અને વેન્ટિલેટર માટે મહારાષ્ટ્રને કેન્દ્ર પાસેથી જ મદદ મળી હતી. કુદરતી હોનારતોથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાની આર્થિક મદદની ઘોષણા કરીને ઠાકરે પોતાની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી પાછલી સરકારે બિન સિંચિત ભૂમિ પર પાક માટે 20,400 રૂપિયા પ્રતિ હેક્ટર, પાક માટે 54,000 રૂપિયા પ્રતિ હેક્ટરની મદદ કરી હતી. સિંચિત ભૂમિ માટે 75,000 રૂપિયા પ્રતિ હેક્ટરની મદદ કરી હતી. 

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે, હું મુખ્યમંત્રી ઠાકરે પાસેથી કેટલીક વિકાસ સંબંધી જાહેરાતોની આશા રાખતો હતો પરંતુ તેઓ કેન્દ્ર સરકાર પર ઠીકરૂં ફોડતા રહ્યા. 

ઉદ્ધવ ઠાકરેએ સંઘ પ્રમુખ મોહન ભાગવતને લખીમપુર હિંસાની યાદ અપાવી હતી. થોડા દિવસો પહેલા જ ભાગવતે કહ્યું હતું કે, આ વાત પર કોઈએ શંકા ન કરવી જોઈએ કે બધાના પૂર્વજ એક હતા. આ નિવેદન મુદ્દે પલટવાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાગવત કહે છે કે આપણા બધાના પૂર્વજ એક છે. જો એવું હોય તો એમ પણ કહી દો કે લખીમપુર ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના પૂર્વજો કોણ છે? આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકોની સત્તા ભૂખ ડ્રગ્સ એડિક્શન જેવી થઈ ગઈ છે.