×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપને ત્રીજો મોરચો બનાવીને ટ્કકર આપી શકાય તેમ નથીઃ પ્રશાંત કિશોર

નવી દિલ્હી, તા.22 જૂન 2021, મંગળવાર

એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પંદર દિવસમાં બે વખત મુલાકાત કરનાર ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરનુ માનવુ છે કે, ત્રીજો કે ચોથો મોરચો બનાવવાથી ભાજપને ટક્કર આપી શકાય તેમ નથી.

હાલમાં શરદ પવાર દ્વારા ત્રીજો મોરચો રચવાની ચાલી રહેલી અટકળો વચ્ચે પ્રશાંત કિશોરનુ આ નિવેદન આવ્યુ છે. તેમણે લોકસભાની આગામી ચૂંટણી માટે ત્રીજો મોરચો બનાવવામાં પોતાનો કોઈ રોલ હોવાનો પણ ઈનકાર કર્યો છે. ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, હાલની સ્થિતિમાં ત્રીજા મોરચાનો કોઈ રોલ દેખાતો નથી.

આજે શરદ પવારે પંદર પાર્ટીઓની બેઠક બોલાવી છે અને તેમાં ભાજપને ટક્કર આપવા માટે ત્રીજો મોરચો રચવાના મુદ્દે ચર્ચા થઈ શકે છે ત્યારે પ્રશાંત કિશોરનુ નિવેદન આશ્ચર્યજનક છે. કારણકે આ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, ભાજપની સામે ચૂંટણી જીતવા માટે પ્રશાંત કિશોરે જ શરદ પવારને સલાહ આપી હતી કે, તમામ પાર્ટીઓએ ભેગા થઈને ભાજપ સામે ચૂંટણી લડવી જોઈએ.

આ બેઠક અંગે શિવસેનાનુ કહેવુ છે કે, આ તમામ વિપક્ષી પાર્ટીઓની બેઠક છે તેવુ ના કહી શકાય. કારણકે તેમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી અને ટીઆરએસ જેવી પાર્ટીઓ ભાગ નથી લેવાની.

એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, શરદ પવાર આ બેઠક બાદ ત્રીજો મોરચો બનાવવા માટે આગળ કવાયત કરી શકે છે. આ માટે તેઓ આગેવાની લેવા પણ તૈયાર છે. જોકે બેઠક બાદ જ ત્રીજા મોરચાની શક્યતા કેટલી છે તે જાણી શકાશે.