×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપને ગુજરાતમાં હારવાનો ડર, PMOમાંથી હિરેન જોશી મીડિયાને ધમકાવે છેઃ કેજરીવાલ


- 'જો કોઈએ ધમકીનો સ્ક્રીનશોટ કે કોલ રેકોર્ડ સોશિયલ મીડિયામાં મુકી દીધા તો તમે અને વડાપ્રધાન કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહો'

નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ AAPના દેશભરના તમામ જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનમાં તેમણે રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે, તે આમ આદમી પાર્ટીને કચડવા માટે કામ કરી રહી છે અને તેમને ગુજરાતમાં હારવાનો ડર લાગી રહ્યો છે. 

PMના આંખ-કાન ગણાતાં હિરેન જોશી પર લગાવ્યા ગંભીર આરોપો

આ સાથે જ કેજરીવાલે વડાપ્રધાન કાર્યાલયમાં સંચાર અને આઈટી પ્રમુખ હિરેન જોશી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા. કેજરીવાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન મોદીના સલાહકાર અને PMOમાં OSD એવા હિરેન જોશી ગુજરાતની અનેક સમાચાર ચેનલ્સના માલિકો અને એડિટર્સને 'આપ'નું કવરેજ ન કરવા માટે ચેતવણી આપી રહ્યા છે. સાથે જ કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે, હિરેન જોશી ચેનલના માલિકો અને એડિટર્સને તેમના સમાચારોમાં 'આપ'ને સ્થાન આપવા બદલ ખરાબ અપશબ્દો લખીને મોકલે છે. 

કેજરીવાલના કહેવા પ્રમાણે અનેક મોટી ચેનલ્સના માલિકો અને એડિટર્સે તેમને હિરેન જોશી દ્વારા મોકલવામાં આવેલા અપશબ્દો દેખાડ્યા હતા. સાથે જ કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે, ચેનલના માલિકો-એડિટર્સને સમાચારમાં કેજરીવાલને બતાવશે તો જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી. કેજરીવાલના કહેવા પ્રમાણે મીડિયા હાઉસને એમ કહેવામાં આવ્યું છે કે, 'કેજરીવાલને દેખાડવાની જરૂર નથી, તમે તમારી ચેનલનો દુરૂપયોગ કરી રહ્યા છો.'

કેજરીવાલે આપી હિરેન જોશીને સલાહ

કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે હિરેન જોશીએ જે કથિત અપશબ્દો મોકલેલા તેના સ્ક્રીનશોટ લેવામાં આવેલા છે અને તેમની ધમકીના કોલ રેકોર્ડ કરવામાં આવેલા છે. કેજરીવાલે ભાજપને સલાહ આપતા કહ્યું હતું કે, 'મીડિયાને ધમકી આપવાનું બંધ કરો. શું આ રીતે દેશ ચલાવશો? હું આજે હિરેન જોશીને કહેવા ઈચ્છું છું કે, તમે જે ધમકીઓ આપી રહ્યા છો, જો કોઈએ તેનો સ્ક્રીનશોટ કે કોલ રેકોર્ડ સોશિયલ મીડિયામાં મુકી દીધા તો તમે અને વડાપ્રધાન કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહો. આ રીતે મીડિયાને ધમકાવવાનું બંધ કરો.'

ભાજપના નેતાએ પણ હિરેન જોશી પર નિશાન સાધેલું

થોડા સમય પહેલા ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ હિરેન જોશી પર આરોપ લગાવ્યા હતા. સ્વામીએ એવો દાવો કર્યો હતો કે, હિરેન જોશીના ઈશારે આઈટી સેલના લોકો તેમને ટાર્ગેટ કરે છે. સોશિયલ મીડિયા પર ખરી-ખોટી સંભળાવે છે. 

ગુજરાત માટે કર્યો ખાસ દાવો

કેજરીવાલે જણાવ્યું કે, 20 રાજ્યોમાં આપના 1,446 જનપ્રતિનિધિઓ છે. તેમાં સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યો છે. ભગવાને 20 રાજ્યોમાં અમારી પાર્ટીના બીજ રોપ્યા છે. તે આગળ જતા વૃક્ષનું સ્વરૂપ ધારણ કરશે. દિલ્હી અને પંજાબમાં તે બીજ હવે વૃક્ષ બની ગયા છે અને હવે ગુજરાતનો વારો છે. ત્યાં પણ બીજ વૃક્ષ બનવાની દિશામાં છે. 

આ પણ વાંચોઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલે કહ્યું- જે નેતા એમ કહે 'ફ્રીબીઝ' ન હોવું જોઈએ એ ગદ્દાર