×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપની જીતનો શ્રેય પાટીલ-પટેલે PM મોદીને આપ્યો, કહ્યું આ તેમના પર પ્રજાના વિશ્વાસની જીત છે

અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. મોટાભાગની બેઠકો પર ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી દીધા છે. તો ભાજપમાં જીતની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. કમલમ ખાતે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો ભાજપની ભવ્યાતિભવ્ય જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સતત સાતમી વખત જીત મેળવતા ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ સહીતના નેતા અને કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઈ વહેંચીની ખુશી વ્યક્ત કરી હતી.

ભાજપની ભવ્ય જીત માટે સી.આર પાટીલે અભિવાદન કર્યું
સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપને આશિર્વાદ આપ્યા. આગામી પાંચ વર્ષ માટે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી PM મોદીએ સતત રેલીઓ, જાહેરભાઓ અને રોડ-શો કર્યા હતા અને મતદારોને મનાવવામાં સફળ થયા હતા. સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત સી.આર પાટીલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતની ચૂંટણી દરમિયાન જે.પી નડ્ડાએ પણ માર્ગદર્શન આપ્યું હતું. સી.આર પાટીલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય સંગઠનના મંત્રી તેમજ કાર્યકરોનો આભાર માન્યો હતો.

સી.આર પાટીલે  વિરોધીઓ પર કર્યા પ્રહાર
ગુજરાતની જીત પર કમલમ ખાતે સંબોધન દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. સી.આર પાટીલે કોઈનું નામ લીધા વગર જ વિરોધીઓ સામે પ્રહાર કર્યા હતા. ગુજરાતની જનતાએ રાષ્ટ્ર વિરોધી શક્તિઓને નકારી દીધી છે. કેટલાક લોકોએ તો એવું કહ્યું હતું કે અમારી સરકાર બનશે તેવું લખીને આપ્યું હતું તેમ સી.આર પાટીલે કહ્યું હતું.

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે અભિવાદન કર્યું હતું
ગુજરાત વિધાનસભાની જીત માટે સીએમ ભુપેન્દ્ર પટેલ કહ્યું હતું કે ગુજરાતની જનતાએ ફરી વખત વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. આ સાથે ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ગુજરાતની જનતાએ ફરી એક વખત નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને ભાજપને જીતાડી છે. ગુજરાતમાં આ જનાદેશને અમે વિન્રમપૂર્વક સ્વીકાર કરી છીએ તેમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું.

12 ડિસેમ્બરે યોજાશે શપથવિધિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે અને ગુજરાતની પ્રજાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને સત્તા પર બેસાડી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠક, વોટ શેયરનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. આ શપથવિધીનો કાર્યક્રમ વિધાનસભા બિલ્ડીંગની પાછળના ભાગે યોજાશે.