×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભવાનીપુર પેટા ચૂંટણીઃ TMCના ધારાસભ્યે બળજબરીથી વોટિંગ મશીન બંધ કર્યું- BJPના પ્રિયંકાનો આરોપ


- ભવાનીપુર બેઠક ઉપરાંત બંગાળની જાંગીપુર, સમસેરગંજ વિધાનસભા બેઠક પર મતદાન છે અને 3 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

આજે સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળના રાજકારણ પર છે. બંગાળમાં 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી છે અને તેમાંથી એક સીટ ખૂબ જ ખાસ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરેવાલ તેમને ટક્કર આપવા ઉતર્યા છે. 

ભવાનીપુર ખાતે ભાજપના પ્રિયંકા ટિબરેવાલે ટીએમસી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રિયંકા ટિબરેવાલના કહેવા પ્રમાણે ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ બળજબરીથી વોટિંગ મશીન બંધ કરી દીધું છે અને બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે જો લોકો મત આપશે તો તેમની મરજી પ્રમાણેનું પરિણામ નહીં મળે.

ભવાનીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા જોવા મળી હતી તેને લઈ સુરક્ષાને વધારે સઘન બનાવવામાં આવી છે. ભાજપ સતત મમતા સરકાર પર સત્તાના દુરૂપયોગનો આરોપ લગાવી રહ્યું છે. ભવાનીપુર સહિત અન્ય બે બેઠકો પર ઈવીએમની સુરક્ષા માટે અલગથી સ્પેશિયલ વાહનો લાવવામાં આવ્યા છે અને પોલીસના હાથમાં બૂથની સુરક્ષા સોંપવામાં આવી છે. 

પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજના 6:30 કલાક સુધી ચાલુ રહેશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી, પ્રિયંકા ટિબરેવાલ અને સીપીઆઈ (એમ)ના શ્રીજિબ વિશ્વાસ વચ્ચે જંગ છે. પોલિંગ સેન્ટર્સની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે અને 13 QRT ટીમ, 22 સેક્ટર મોબાઈલ, 9 HRFS, સર્વિલાન્સ ટીમ, ફ્લાઈંગ સ્ક્વોડ સહિત અલગ અલગ ટીમ તૈનાત કરવામાં આવી છે. 

ભવાનીપુર બેઠક ઉપરાંત બંગાળની જાંગીપુર, સમસેરગંજ વિધાનસભા બેઠક પર મતદાન છે અને 3 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.