×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભલે ગમે તેટલી ફોજ લઈ આવો, જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવી પડશેઃ મેહબૂબા મુફ્તી


- પાકિસ્તાનની માફક હવે ભારતમાં પણ લોકોને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યા છેઃ મેહબૂબા

જમ્મુ, તા. 30 એપ્રિલ 2022, શનિવાર

પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીર મુદ્દે ફરી એક વખત પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. મેહબૂબાએ જમ્મુ કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાત કરવી પડશે તેમ જણાવ્યું હતું. મેહબૂબાના કહેવા પ્રમાણે 'વાતચીત વગર સમાધાન નહીં થઈ શકે. AFSPAના કારણે ઘાટીના લોકો પરેશાન થઈ ગયા છે. સુરક્ષાબળોને આટલો પાવર આપવામાં આવ્યો તેમ છતાં સરપંચ મરી રહ્યા છે, લોકો પર ગોળીઓ ચાલી રહી છે.' 

મેહબૂબાએ જણાવ્યું કે, 'મારા મતે આપણાં ઘરમાં જ કોઈને કોઈ ઉણપ છે, ક્યાંકને ક્યાંક આપણે જ નિષ્ફળ જણાઈ રહ્યા છીએ. પાકિસ્તાન સાથે વાત કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. ભલે ગમે તેટલી ફોજ લઈ આવો, વાત તો કરવી જ પડશે.'

મુફ્તીએ જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે કેન્દ્ર દ્વારા કાશ્મીરને બરબાદ કરવામાં આવી રહ્યું છે. મેહબૂબાએ જણાવ્યું કે, 'કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને સંપૂર્ણપણે બરબાદ કરવા ઈચ્છે છે. કેન્દ્ર સરકાર અમારૂં અસ્તિત્વ ખતમ કરવા ઈચ્છે છે. કદાચ એટલા માટે કે, તે મુસ્લિમ મેજોરિટી રાજ્ય છે. અમને દરેક બાજુથી કમજોર બનાવવા પ્રયત્ન થઈ રહ્યો છે.' 

આ ઉપરાંત વાતચીત દરમિયાન મેહબૂબાએ ભારતની સરખામણી પાકિસ્તાન સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મજહબ-ધર્મના નામે લોકોને બંદૂકો આપી દેવામાં આવી છે. તેમની સ્થિતિ તો આજે પણ ખરાબ છે પરંતુ હવે ભારતમાં પણ લોકોને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યા છે. તલવારો આપવામાં આવી રહી છે, હિંદુ-મુસ્લિમોને લડાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. 

લાઉડસ્પીકર અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે દેશમાં બની રહેલી એક પેટર્ન અંગે વાત કરતા કહ્યું હતું કે, પહેલા હિજાબનો મુદ્દો આવ્યો, પછી લાઉડસ્પીકર આવ્યું, થોડા દિવસો બાદ હલાલનો મુદ્દો ઉઠાવી દેવામાં આવશે. આ ઉપરાંત તેમણે કાર્યવાહીના નામે અલ્પસંખ્યકોના ઘર પર બુલડોઝર ચલાવાઈ રહ્યા છે એમ કહીને તે વાત પર પણ ભાર આપ્યો હતો. 

ઘાટીમાં વ્યાપેલા વીજ સંકટ વચ્ચે મેહબૂબા મુફ્તીએ કેન્દ્ર સામે સવાલો કર્યા છે. તેમણે જણાવ્યું કે, અનેક વખત કાશ્મીરને તેના પાવર પ્રોજેક્ટ્સ પરત કરી દેવાની માગણી કરવામાં આવી, જો તેમ બનશે તો વીજકાપની સમસ્યાનો અંત આવશે.