×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભરુચની કોવિડ હોસ્પિટલમાં મધરાતે ભીષણ આગ : 16 લોકોના મોત, 14 દર્દીઓ બેડ ઉપર જ ખાક

ભરુચ, 1 મે, 2021, રવિવાર

રાજ્યમાં હોસ્પિટલોમા આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ભરૂચની જંબસુર બાયપાસ ચોકડી નજીક આવેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ ICU  વોર્ડમાં  મોડી રાત્રે ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 12 દર્દી અને બે સ્ટાફકર્મી મળી 16 લોકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સિવાય અનેક લોકો દાઝ્યા હોવાથી, મૃત્યુઆંક વધે તેવી શક્યતા રહલી છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ, સેવાશ્રમ, જંબુસર, વાગરા સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ અને 2 સ્વાસ્થ્યકર્મી સહિત 16 લોકો બળીને ભળથુ થઇ ગયા છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.


હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હજારો લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે દોડધામ કરી રહ્યાં હતા. ફાયર બ્રિગેડ, વીજ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, સાથે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ અડધા પોણા કલાકમાં  આગ પર કાબુ મેળવી લીધો હતો. 


કરુણતાની વાત એ છે કે આ આગની અંદર 12 દર્દીઓ સહિત 14 લોકો બેડમાં જ બળીને ખાક થઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે  ભરૂચ સહિત આસપાસના વિસ્તાર ની 40 ઉપરાંત એમ્બ્યૂલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યુ હતું. આગ બાદ જે તસવીરો સામે આવી રહી છે તેને જોતા આગની તીવ્રતાનો અંદાજો લગાવી શકાય છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ મૃતકોના મૃતદેહ લાવવામાં આવતા દર્દીઓના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. ગુજરાત સ્થાપના દિનની પૂર્વ રાત્રીએ ભરૂચમાં સર્જાયેલ કરુણાંતિકાએ પુનઃ એકવાર વ્યવસ્થા તંત્ર પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. ત્યારે ભૂતકાળના આવા બનાવોમાંથી તંત્રએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.