×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં લાગી ભીષણ આગ, 3ના મોત


- આ ઘટનામાં 12 વર્ષ અને 10 વર્ષના બે બાળકો અને 45 વર્ષની એક મહિલાનું મોત થયું છે

વારાણસી, તા. 03 ઓક્ટોબર 2022, સોમવાર

ઉત્તર પ્રદેશના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે અને 64 લોકો દાઝી ગયા છે. ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે, આ ઘટનામાં 12 વર્ષ અને 10 વર્ષના બે બાળકો અને 45 વર્ષની એક મહિલાનું મોત થયું છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તપાસ પૂર્ણ થયા સુધી આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી.


આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 50થી વધુ લોકો દાઝી ગયા છે. જેમાંથી 32 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે, અમે અગાઉથી જ તમામ સાવચેતી રાખી હતી. પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આગનું મુખ્ય કારણ પણ જાણી શકાશે. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

CM યોગીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું

CM યોગી આદિત્યનાથે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે ઘાયલોની સારવાર માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. CMOએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. CMOએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, CM યોગી આદિત્યનાથે ભદોહી જિલ્લાના ઔરાઈમાં દુર્ગા પંડાલમાં આગ લાગવાની ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા અને જિલ્લા વહીવટી અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો છે.