×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્લેક મન્ડે : શેરબજારમાં વર્ષનો સૌથી મોટો કડાકો


- રોકાણકારોની સંપત્તિમાં રૂા. 8.47 લાખ કરોડનું ધોવાણ

- સેન્સેક્સ 1747 તૂટીને 56406ના તળિયે પટકાયો : નિફ્ટી 532 ઘટીને 16843 : 759 શેરોમાં મંદીની સર્કિટ

- વિદેશી રોકાણકારોની 4254 કરોડ રૂપિયાની જંગી વેચવાલી

અમદાવાદ : યુક્રેન- રશિયા વચ્ચે યુદ્ધ થવાના પ્રબળ ભણકારા, ક્રૂડ ઓઇલની તેજી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોની સાથોસાથ ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જાતેજાતમાં પીછેહઠ થતા બ્લેક મન્ડે ઉદભવ્યો હતો. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ૧૭૪૭ પોઇન્ટનો કડાકો બોલાવ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૩૨ પોઇન્ટ તૂટયો હતો એકધારી વેચવાલી પાછળ આજે ૭૫૯ શેરોમાં મંદીની સર્કિટ અમલી બની હતી.

યુક્રેન- રશિયા વચ્ચે યુદ્ધના ભણકારા, ક્રૂડ વધીને ૯૬ ડોલર પહોંચ્યાના અહેવાલો, અમેરિકામાં વ્યાજદર વધવાની ભીતિ, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના નેગેટીવ સમાચારોના કારણે ભારતીય શેરબજાર પર મંદીના ઓળા ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત એશિયાઈ તેમજ યુરોપીયન માર્કેટમાં પણ પીછેહઠ થયાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

આ અહેવાલો પાછળ આજે કામકાજનો પ્રારંભ ગાબડા સાથે થયા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે સેન્સેક્સ ઇન્ટ્રા ડે તૂટીને ૫૬૨૯૫.૭૦ના તળિયે પટકાયા બાદ કામકાજના અતે ૧૭૪૭.૦૮ પોઇન્ટ તૂટીને ૫૬૪૦૫.૮૪ની સપાટીએ નરમ રહ્યો હતો.

બીજી તરફ એનએસઇ ખાતે પણ વેચવાલીના ભારે દબાણે નિફ્ટી ઇન્ટ્રાડે તૂટીને ૧૬૮૦૯ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે ૫૩૧.૯૫ પોઇન્ટ તૂટીને ૧૬૮૪૨.૮૦ની સપાટીએ નરમ રહ્યો હતો.

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ) માર્કેટ કેપ રૂા. ૮.૪૭ લાખ કરોડનું ધોવાણ થતાં કામકાજના અંતે રૂા. ૨૫૫.૪૨ લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. ૪૨૫૪ કરોડના શેરોની વેચવાલી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂા. ૨૧૭૦ કરોડની ખરીદી કરી હતી.

ડાઉજોન્સમાં 351 પોઇન્ટનું ગાબડું

વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વિશ્વભરના બજારો તૂટયા હતા જેમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સમાં નરમાઈ પ્રવર્તતી હતી.

એશિયાઈ દેશોમાં જાપાન શેરબજારમાં ૬૧૬ પોઇન્ટ અને હોંગકોંગ માર્કેટમાં ૩૫૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. યુરોપીયન બજારમાં લંડન શેરબજારમાં ૧૧૫ પોઇન્ટ, ફ્રાંસ શેરબજારમાં ૧૮૦ પોઇન્ટ અને જર્મન શેરબજારમાં ૩૪૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ન્યુયોર્ક શેરબજારનો ડાઉ ઇન્ડેક્સ ૩૫૧ પોઇન્ટ તૂટી ૩૪૩૮૭ અને નાસ્ડેક ૧૫ પોઇન્ટ તૂટી ૧૩૭૭૬ની સપાટીએ કાર્યરત હતો.

યુદ્ધના ભણકારા... શેરબજાર તૂટયું

* યુક્રેન- રશિયા વચ્ચે યુદ્ધ થવાની ભીતિની બજાર પર ગંભીર અસર.

* ક્રૂડમાં તેજી, યુ.એસ.માં વ્યાજદર વધવાની ભીતિ

* વિદેશી રોકાણકારોની સતત વેચવાલી

* સેન્સેક્સમાં છેલ્લા એક વર્ષનો મોટો કડાકો

* સેન્સેક્સ/ નિફ્ટી ઓલટાઇમ હાઇથી ૯ ટકા તૂટયા: છેલ્લા એક માસમાં ૭ ટકા તૂટયો

* ઓલટાઇમ હાઇથી મિડકેપ ૧૪ ટકા અને નિફ્ટી બેંક ૧૧ ટકા તૂટયા

* માર્કેટ બ્રીડથ નેગેટિવ: એડવાન્સ ડિકલાઇન રેશિયો ૧:૧૦

* બીએસઇ સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સ ૩ ટકા તૂટયા

છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સના મોટા કડાકા

તારીખ

કડાકો (પોઇન્ટમાં)

૨૬ ફેબ્રુ.- '૨૧

૧૯૩૯

૧૪ ફેબ્રુ.- '૨૨

૧૭૪૭

૧૨ એપ્રિલ- '૨૧

૧૭૦૮

૨૬ નવે.- '૨૧

૧૬૮૮

૨૪ જાન્યુ.- '૨૨

૧૫૪૬

૨૦ ડિસે.- '૨૧

૧૧૯૦

૨૨ નવે.- '૨૧

૧૧૭૦