×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટિશ રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષે નિધન


પ્રિન્સ ફિલિપનો જન્મ 1921માં ગ્રીસમાં થયો હતો

રાણી સાથેના 73 વર્ષના લગ્નજીવનનો અંત : વિન્ડસર પેલેસ પર ધ્વજ અડધી કાઠીએ : ભારતના છેલ્લા વાઈસરોય માઉન્ટબેટનના ભાણેજ હતા

લંડન : બ્રિટિશ રાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 9મી એપ્રિલે 99 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનમાં રાણી શાહી હોવાથી ત્યાં રાણીના પતિ હંમેશા પ્રિન્સ તરીકે ઓળખાય છે.

પ્રિન્સના નિધનની સત્તાવાર જાહેરાત બ્રિટિશ રાજવી પરિવારે કરી હતી. એ પછી બ્રિટિશ રાજવી નિવાસસ્થાન વિન્ડસર પેલેસ પર યુનિયન જેક (બ્રિટનનો રાષ્ટ્રધ્વજ) અડધી કાઠીએ લાવી દેવાયો હતો. પ્રિન્સ ફિલિપ થોડા વખત પહેલા બિમાર પડયા હતા અને લગભગ એકાદ મહિનો હોસ્પિટલમાં રહ્યા હતા.

મૃત્યુ અંગેની જાહેરાતમાં જણાવાયુ હતુ કે તેઓ શાંતિથી મૃત્યુ પામ્યા હતા. પ્રિન્સ ફિલિપ મોટે ભાગે લો પ્રોફાઈલ રહેવામાં માનતા હતા. જાહેર કાર્યક્રમોમાં પણ રાણીથી હંમેશા કેટલાક પગલાં પાછળ જ ચાલતા હતા.

2017 પછી તેઓ જાહેર કાર્યક્રમોમાં દેખાયા ન હતા. એક અકસ્માત પછી 2019માં તેમણે પોતાનું ડ્રાઇવિંગ લાઈસન્સ પણ પરત જમા કરાવી દીધું હતું. આગામી દિવસોમાં બ્રિટિશ રાજવી કબ્રસ્તાન વિન્ડસર પેલેસમાં તેમની દફનવિધિ કરવામાં આવશે.

બ્રિટિશ રાણી એલિઝાબેથ સાથે 1947માં લગ્ન થયા હતા. તેમના 73 વર્ષના લગ્નજીવનનો મૃત્યુ સાથે અંત આવ્યો હતો. લગ્નના પાંચ વર્ષ પછી 1952માં એલિઝાબેથ રાણી બન્યા હતા. પરદેશી મૂળના કુંવર સાથે બ્રિટિશ રાણીના લગ્નનો ત્યારે પણ વિરોધ થયો હતો.

કુંવર-રાણીના કુલ ચાર સંતાનો (પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ) છે તથા તેમના વળી આઠ પૌત્ર-પૌત્રી અને દસ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. પૌત્ર પૈકી પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન રાજવી પરિવારના દંભથી ત્રાસીને અલગ પડી ચૂક્યા છે. 

બ્રિટિશ કુંવર હોવા છતાં તેમનો જન્મ બ્રિટનના નહીં પણ ગ્રીસ-ડેન્માર્કના રાજવી પરિવારમાં થયો હતો. તેઓ ગ્રીસના નાનકડા ટાપુ કોર્ફુ ખાતે 1921ની 10મી જૂને જનમ્યા હતા. જો જૂન સુધી જિવ્યા હોત તો તેમનો 100મો જન્મદિવસ ઉજવત. તેમના પિતા ગ્રીસ-ડેન્માર્કના રાજવી પરિવારમાંથી હતા.

કુંવર 18 વર્ષના હતા ત્યારે જ તેમણે ગ્રીસ છોડવું પડયું હતું. એ પછી ફ્રાન્સ અને બાદમાં બ્રિટનમાં સ્થિર થયા હતા. તેઓ બ્રિટિશ નૌકાદળમાં ભરતી થયા હતા અને બીજું વિશ્વયુદ્ધ પણ લડયા હતા. તેમનો પરિવાર એ વખતે રાજવીઓ હોય એવો સદ્ધર ન હતો, મધ્યમવર્ગીય હતો.

1947માં તેમના લગ્ન એલિઝાબેથ સાથે થયા હતા, જ્યારે હજુ એલિઝાબેથ રાણી બન્યા ન હતા. એ વખતે કુંવર ફિલિપે ગ્રીસ-ડેન્માર્કના રાજ વંશ સાથેનો નાતો તોડીને પોતાના મોસાળની સરનેમ માઉન્ટબેટન અપનાવી લીધી હતી.

કેમ કે તેઓ ભારતના વાઈસરોય માઉન્ટબેટનના ભાણેજ હતા. જો તેમણે પોતાની એ રાજવી ઓળખ જાળવી રાખી હોત તો એ રાજા બની શક્યા હોત. પણ એલિઝાબેથ સાથે પરણવા બ્રિટિશ રાજ પરિવારની આકરી શરતો તેમણે સ્વીકારી હતી. મૃત્યુ પછી દુનિયાભરના નેતાઓે તેમને અંજલિ આપી હતી.