×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટન પર સૌથી વધુ 70 વર્ષ શાસન કરનારા રાણી એલિઝાબેથનું નિધન



- સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા

- મહારાણીના દેહને આજે લંડન લઈ જવાશે, 10 દિવસ પછી અંતિમક્રિયા, 73 વર્ષે રાજા બનેલા રાણીના મોટા પુત્ર કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે

- પીએમ મોદી સહિત વિશ્વભરના નેતાઓએ શોકસંદેશ પાઠવ્યા

લંડન : બ્રિટન પર સૌથી લાંબો સમય ૭૦ વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-૨નું બાલ્મોરા મહેલ ખાતે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. જોકે, મોડી રાતે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે બાલ્મોરલ ખાતે રાણીનું નિધન થયું હતું. મહારાણીના નિધનની પુષ્ટી કરી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે. રાણીના પાર્થિવ શરીરને હવે લંડન લઈ જવાશે તથા નિશ્ચિત આયોજન મુજબ ૧૦ દિવસ પછી તેમની અંતિમક્રિયા કરાશે.

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના બાલ્મોરલ મહેલમાં રાણી એલિઝાબેથ દ્વિતીયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે મહારાણીના મોટાપુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત રાજ પરિવારના અનેક સભ્યો ત્યાં હાજર હતા. ધ કિંગ એન્ડ ધ ક્વિ કન્સોર્ટ ગુરુવારે બાલ્મોરલમાં રહેશે અને શુક્રવારે લંડન પાછા ફરશે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ મહારાણીના નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો.

એલિઝાબેથ દ્વિતીયનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના રોજ લંડન ખાતે ૧૭ બુ્રટન સેન્ટમાં થયો હતો. નૌકાદળના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે તેમનાં લગ્ન થયા હતા. તેમને પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ ચાર સંતાનો હતા. મહારાણીના પતિ ફિલિપ માઉન્ટબેટનનું એપ્રિલ ૨૦૨૧માં ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. કિંગ જ્યોર્જ-છઠ્ઠાના નિધન પછી ૧૯૫૨માં એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના સિંહાસન પર બેઠાં હતાં. હવે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ૭૩ વર્ષે સૌથી વધુ વયે રાજા બન્યા હતા. તેઓ હવે કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે.

અગાઉ બ્રિટેનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બ્રિટિશ રાજપરિવારના સભ્યો બાલ્મોરલ મહેલમાં પહોંચવા લાગ્યા હતા. મહારાણી એલિઝાબેથે ખરાબ તબિયતને કારણે બુધવારથી તેમનાં કામો સ્થગિત કરી દીધા હતાં.

મહારાણીના મૃત્યુ પછી બ્રિટિશ સરકાર અને બ્રિટિશ રાજપરિવાર દ્વારા ૧૯૬૦થી જ તૈયાર કરાયેલી 'ઓપરેશન લંડન બ્રિજ' નામની વિશેષ યોજનાના ભાગરૂપે સરકાર તરફથી વડાપ્રધાન લિઝ ટ્રસે સૌથી પહેલું નિવેદન કર્યું હતું.ત્યાર પછી બ્રિટન અને સમગ્ર દુનિયામાં બ્રિટિશ સરકારની ઓફિસો પર યુનિયન જેક અડધી કાઠીએ ફરકાવાયો હતો. 

રાણીના નિધન પછી પ્રિન્સ ચાર્લ્સ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરશે. મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા ૧૦ દિવસ પછી કરવામાં આવશે. આ સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નિકળશે. બ્રિટન સરકાર ૧૦ દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.