×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનના ફાઈનાન્સ મિનિસ્ટર ક્વાસી ક્વાર્તેંગનું રાજીનામું


  • બ્રિટનના વડા પ્રધાન લિઝ ટ્રઝ દ્વારા હાંકી કાઢવાની ચિમકી ઉચ્ચારાયા બાદ રાજીનામુ આપ્યાની અટકળો
  • છેલ્લાં એક વર્ષમાં ત્રીજા ચેન્સેલર છે જેમણે સરકાર સાથે છેડો ફાડ્યો

લંડન, તા. 14 

બ્રિટનમાં આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે અરાજકતાનો અંત આવે તેમ લાગતું નથી. સામાજિક વ્યવસ્થા મહામારી બાદ થોડી થાળે પડતી દેખાઈ હતી ત્યાં હવે આર્થિક અને રાજકીય મોરચે ઘણું બધું ડોહળાવા લાગ્યું છે. તાજેતરમાં બ્રિટનના ફાઈનાન્સ મિનિસ્ટર ક્વાસી ક્વાર્તેંગ દ્વારા રાજીનામું આપી દેવાયાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન લિઝ ટ્રસ સાથે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ખાસ કરીને આર્થિક પેકેજ જાહેર કરવા બાબતે લિઝ અને ક્વાસી વચ્ચે ઘણા સમયથી ખેંચતાણ હતી. તેમણે વડા પ્રધાન દ્વારા આર્થિક પેકેજમાં ફેરફાર કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના મતે ગુરુવારે લિઝ ટ્રસ દ્વારા ક્વાસીને હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે ક્વાસીએ આ અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, મને હાંકી કાઢવામાં આવ્યો નથી. તેમના ગુરુવારના સબસલામતના દાવા વચ્ચે શુક્રવારે તેમણે જ રાજીનામુ આપી દેતા નવા રાજકીય સંકેતો આવી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં એક વર્ષમાં ક્વાસી ત્રીજા ચાન્સેલર છે જેમણે પદ છોડી દીધું છે અને સરકાર સાથે છેડો ફાડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, તેઓ એક જ મહિના માટે આ પદ ઉપર રહ્યા હતા.

તમારી મને સાઈડલાઈન કરવાની ઈચ્છા છે તો હું તેને માન્ય રાખું છું - ક્વાસી

સૂત્રોના મતે ક્વાસીએ શુક્રવારે એક પત્ર લખીને વડા પ્રધાનને મોકલાવ્યો હતો. તેમણે રાજીનામાના પત્રમાં પદ છોડવાના ઘણા કારણો લખ્યા હતા. તેમણે વડા પ્રધાનને સંબોધીને લખ્યું હતું કે, તમે મને ચાન્સેલર તરીકે સાઈડલાઈન કરવા માગતા હતા તો હું થઈ ગયો છું. તમે મને કહ્યું હતું કે મારે ચાન્સેલર તરીકે સેવાઓ આપવાની છે ત્યારે મેં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભયાનક મુશ્કેલીઓ વચ્ચે અને વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કર્યું હતું. તમારા વિઝનને હું ત્યારે સમજ્યો હતો પણ હવે તેમાં ફેરફાર આવી ગયા છે. આગામી સમયમાં આ દેશ ઓછા વિકાસદર અને વધારે કરવેરાના બોજ તળે દબાઈ જશે. આર્થિક પેકેજ અંગેના તમારા અને મારા વિચારોમાં તફાવત આવવાના કારણે પણ ઘણી મુશ્કેલી રહી હતી.


હવે સ્થિતિ બદલાઈ ગઈ છે - ક્વાર્તેંગ

ક્વાસી ક્વાર્તેંગે પોતાના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિ મુદ્દે નક્કર પગલાં નહીં લેવામાં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. એક સમય હતો જ્યારે આપણ સાથીઓ હતા. આપણે ઘણા લાંબા સમયથી સાથીઓ અને મિત્રો છીએ. તે સમયે મેં તમારું સમર્પણ અને પ્રતિબદ્ધતા જોયા હતા. મને તમારા વિઝનમાં વિશ્વાસ હતો. તમારા પહેલાં ચાન્સેલર તરીકે કામ કરવાનો જે મને અવસર મળ્યો તેના બદલ હું તમારો ઋણી રહીશ. આ કામગીરી માટે માટે સૌથી મોટા બહુમાન સમાન હતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આપણે સાથે કામ કરી શકીએ તેમ નથી. તમારી સફળતા એ દેશની સફળતા સાબિત થશે. તમને આવનારા સમય માટે સફળ થવાની અઢળક શુભેચ્છાઓ.