×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રાઝિલમાં કોવેક્સિન બાદ હવે એસ્ટ્રાજેનેકાને લઈ વિવાદ, પ્રત્યેક ડોઝ દીઠ 1 ડોલરની લાંચનો આરોપ


- અગાઉ બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોવેક્સિન માટે કરવામાં આવેલો સોદો સસ્પેન્ડ કર્યો હતો

નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર

કોવેક્સિન બાદ હવે એસ્ટ્રાજેનેકા વેક્સિનને લઈ બ્રાઝિલ સરકાર ઘેરાઈ રહી છે. બ્રાઝિલ મીડિયા રિપોર્ટ્સના અહેવાલ પ્રમાણે એસ્ટ્રાજેનેકા વેક્સિનની ખરીદીમાં પણ અનિયમિતતા હોઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે બોલ્સનારો સરકારે એસ્ટ્રાજેનેકા વેક્સિનના પ્રત્યેક ડોઝ દીઠ લાંચ માગી હતી.

બ્રાઝિલના સમાચાર પત્રમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે એસ્ટ્રાજેનેકા વેક્સિનના પ્રત્યેક ડોઝ દીઠ 1 અમેરિકી ડોલરની લાંચ માગવામાં આવી છે. જોકે એસ્ટ્રાજેનેકા દ્વારા આ દાવાઓનું ખંડન કરવામાં આવ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે તેઓ બ્રાઝિલમાં કોઈ  વચેટિયા સાથે કામ નથી કરતા. તમામ સમજૂતીઓ સીધી ફિયોક્રૂજ (ઓસ્વાલ્ડો ક્રૂજ ફાઉન્ડેશન) અને સંઘીય સરકારના માધ્યમથી જ થાય છે.

રિપોર્ટ પ્રમાણે દાવતી મેડિકલ સપ્લાયે એસ્ટ્રાજેનેકા વેક્સિનના 400 મિલિયન ડોઝ માટે પોર્ટફોલિયો માગ્યો હતો જેમાં પ્રત્યેક ડોઝની કિંમત 3.5 અમેરિકી ડોલર હતી. બાદમાં એક ડોઝની કિંમત 15.5 અમેરિકી ડોલર થઈ ગઈ. 400 મિલિયન ડોઝ માટે એક ડોલરની લાંચ માગવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

કોવેક્સિનની ડીલ સસ્પેન્ડ

અગાઉ બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોવેક્સિન માટે કરવામાં આવેલો સોદો સસ્પેન્ડ કર્યો હતો. બ્રાઝિલમાં તે ડીલને લઈને ખૂબ સવાલો થઈ રહ્યા હતા જેથી 32 કરોડ ડોલરના તે કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આરોપ પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયના દબાણવશ મોંઘી વેક્સિન ડીલ કરવામાં આવી હતી. 

બ્રાઝિલમાં જ્યારથી આ ડીલને લઈ ગરબડના સમાચાર સામે આવ્યા છે ત્યારથી રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારો દરેકના નિશાન પર આવી ગયા હતા. સંસદીય પેનલ પણ કોરોના પ્રબંધનને લઈ તપાસ કરી રહી છે અને તેના સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સવાલ એ પણ હતો કે, બ્રાઝિલ પાસે ફાઈઝરની વેક્સિન ખરીદવાનો ઓપ્શન હતો છતાં તેણે ભારત બાયોટેક પાસેથી મોંઘી વેક્સિન ખરીદી.