×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોગસ રાષ્ટ્રવાદ માટે શાંતિનો ભોગ લેવાઈ રહ્યો છે, નફરતનો વાયરસ ફેલાવાયો છેઃ સોનિયા ગાંધીએ કર્યા પ્રહારો

નવી દિલ્હી,તા.16 એપ્રિલ 2022,શનિવાર

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં આર્ટિકલ લખીને કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક ચાબખા માર્યા છે.

આ લેખમાં સોનિયા ગાંધીએ કહ્યુ છે કે, દેશમાં નફરત અને વિભાજનનો વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. જે તમામને નુકસાન પહોંચી રહ્યો છે. કેન્દ્રમાં સત્તા પરની પાર્ટી ઈચ્છી રહી છે કે, ભારતમાં લોકો ધ્રુવીકરણની  સ્થિતિને કાયમી ધોરણે સ્વીકારી લે.પહેરવેશથી માંડીને ધાર્મિક આસ્થા સુધીની તમામ બાબતોમાં લોકોમાં ભાગલા પડાવવાની કોશિશ થઈ રહી છે. અસમાજીક તત્વનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે ઈતિહાસની વ્યાખ્યા બદલવાની કોશિશ થઈ રહી છે. યુવાઓનો ઉપયોગ દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં કરવાની જગ્યાએ કપોળ કલ્પિત ભૂતકાળનો ઉપયોગ કરીને વર્તમાન સમયને નવુ જ સ્વરુપ આપવા માટે કરાઈ રહ્યો છે. આ માટે તેમના સમય અને સંપત્તિનો પણ દુરપયોગ કરવામાંઆવી રહ્યો છે.ભારતની વિવિધતાને લઈને પીએમ ચર્ચા તો બહુ કરે છે પણ હકીકત એ છે કે, જે વિવિધતાઓએ સદીઓથી આપણા સમાજને વધુ સમૃધ્ધ બનાવ્યો છે તેમાં બદલાવ કરીને આપણા ભાગલા પાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

સોનિયા ગાંધીએ આગળ લખ્યુ છે કે, સમૃધ્ધિ માટે આર્થિક વિકાસ કરવો પડશે .જેથી લોકોનુ જીવન સ્તર પણ ઉંચુ લાવી શકાય અને આ માટે સરકારને જરુરી આવક મળી શકે , યુવાઓને રોજગારીની તકો મળી શકે પણ સામાજિક સદભાવનો માહોલ બગડી રહ્યો છે. કટ્ટરતા, નફરત અને વિભાજનનો પ્રચાર પ્રસાર આર્થિક વિકાસના પાયા હચમચાવી રહ્યો છે. કર્ણાટકમાં જે થયુ તેની સામે કેટલાક કોરપોરેટ એક્ઝિક્યુટિવ ખુલ્લેઆમ બોલી રહ્યા છે અને તેમણે જે ચિંતા વ્યક્ત કરી છે તે બહુ સાચી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકો ભારત છોડી ચુકયા છે તે વાત કોઈથી છુપાયેલી નથી.

લેખમાં સોનિયા ગાંધીએ વધુમાં કહ્યુ છે કે, નફરતનો વધી રહેલો ઘોંઘાટ, ખુલ્લેઆમ ઉશ્કેરણી અને લઘુમતીઓ સામે વધી રહેલા અપરાધ આપણા સમાજની ઉદાર પરંપરાઓ સાથે મેળ નથી ખાતા. અલગ અલગ ધાર્મિક સમુદાયો સાથેના સબંધ, કલા તેમજ રોજ બરોજની જિંદગીમાં એક બીજા સાથેનો મનમેળ આપણા સમાજની સદીઓથી વિશેષતા રહ્યા છે પણ રાજકીય લાભ માટે ભારતીય સમાજની એકતાનો પાયો નબળો પાડવામાં આવી રહ્યો છે. સત્તામાં બેઠેલા લોકો વિરોધના અવાજને દબાવવાની કોશિશ કરી છે. રાજકીય વિરોધીઓ અને એક્ટિવિસ્ટોને ધમકાવાય છે અને તેમની સામે સરકારી મશિનરી કામે લગાડી દેવામાં આવે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જૂઠ્ઠાણા અને નફરત ફેલાવવા માટે થઈ રહ્યો છે. ડર અને ધમકી સરકારની રણનીતિનો એક હિસ્સો બની ગયા છે.

સોનિયા ગાંધીએ કહ્યુ છે કે, હેટ સ્પીચ સામે બોલતા પીએમ મોદીને કોણ રોકી રહ્યુ છે...વારંવાર હેટ સ્પીચ આપનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમના ભડકાઉ ભાષણો પર કોઈ રોક ટોક નથી.આજે દેશમાં ફેલાઈ રહેલી નફરતને અને ક્ટ્ટરવાદને અત્યારે નહીં રોકવામાં આવે તો તે આપણા સમાજને એવુ નુકસાન પહોંચાડશે જેની ભરપાઈ કરવી મુશ્કેલ હશે.બોગસ રાષ્ટ્રવાદની વેદી પર શાંતિનો બલિ ચઢાવવામાં આવી રહ્યો છે અને તેને એક સમાજ તરીકે આપણે ચુપચાપ જોઈ શકીએ નહીં. નફરતની સુનામી પણ આપણે ભેગા મળીને કાબૂ મેળવવો પડશે.