×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બેદરકારીઃ સીરિન્જમાં કોવિડ વેક્સિન ભર્યા વગર જ યુવકને લગાવી દેવાઈ ખાલી સોય


- જો મોબાઈલમાં વીડિયો ન લેવામાં આવ્યો હોત તો યુવકને વેક્સિન ડોઝ નથી લેવાયો તેની ખબર જ ન પડેત

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

કોરોના સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને હવે તો વેક્સિનેશન ક્ષેત્રે પણ અનેક રેકોર્ડ બની રહ્યા છે. પહેલાની સરખામણીએ અત્યારે વેક્સિનેશનની સ્પીડ વધી છે અને ઓછા સમયમાં અનેક લોકોને રસી અપાઈ રહી છે. જોકે આ ઉતાવળમાં બેદરકારીની કેટલીક ઘટનાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં બિહાર ખાતેથી એક ઘટના સામે આવી છે જેમાં એક યુવકને વેક્સિન લોડ કર્યા વગર જ સીરિન્જ મારી દેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક મહિલા સ્વાસ્થ્યકર્મી સીરિન્જનું રેપર ફાડીને તેમાં કોવિડ વેક્સિન ભર્યા વગર જ ઈન્જેક્શન મારી દે છે. તે સમયે યુવકનો મિત્ર વીડિયો ઉતારી રહ્યો હોય છે પરંતુ યુવક કે તેના મિત્રને બિલકુલ અંદાજો નથી આવતો કે વેક્સિન નથી ભરવામાં આવી. 

આ ઘટના બહાર આવ્યા બાદ ડીઆઈઓએ નર્સ ચંદા કુમારી પાસેથી 48 કલાકમાં સ્પષ્ટીકરણ આપવા માગણી કરી છે અને તેને તાત્કાલિક પ્રભાવથી ડ્યુટી પરથી હટાવી લીધી છે. 

ઉતાવળમાં થઈ ભૂલ

ડીઆઈઓના કહેવા પ્રમાણે મહિલા નર્સે જાણીજોઈને આ ભૂલ નથી કરી પરંતુ ભીડ વધારે હોવાના કારણે આ ભૂલ થઈ ગઈ હતી. તે યુવકને ફરી વેક્સિન માટે બોલાવવામાં આવી શકે છે. સાથે જ તે પોતાની મરજી પ્રમાણે નવી તારીખ પસંદ કરી શકે છે. 

પીડિત યુવક અઝહરના કહેવા પ્રમાણે નર્સે કોઈ દુર્ભાવનાથી નહીં પરંતુ ભૂલથી ખાલી સીરિન્જ આપી દીધી હતી. આ કારણે તેણે મોટું હૃદય રાખીને નર્સને માફ કરી દીધી હતી. સાથે જ નર્સ વિરૂદ્ધ કોઈ એવી કાર્યવાહી ન થાય જેમાં તેણે નોકરી ગુમાવવી પડે તેમ પણ કહ્યું હતું. 

જો મોબાઈલમાં વીડિયો ન ઉતારવામાં આવ્યો હોત તો યુવકને ખબર જ ન પડેત કે તેને વેક્સિન મળી છે કે નહીં. સાથે જ આ પ્રકારના બેજવાબદારીથી ભરેલા કાર્ય કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ સામે સવાલ ઉપજાવે છે.