×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બેંગલુરૂમાં ભારે વરસાદથી તબાહી : મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયું, 1નું મોત


- ભારતીય હવામાન વિભાગ (IMD)એ હજુ 2 દિવસ વરસાદની આગાહી કરી

બેંગલુરૂ, તા. 15 એપ્રિલ 2022, શુક્રવાર

કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં ગુરૂવારે ભારે વરસાદ થયો છે. રાજધાની બેંગલુરૂમાં વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે પરંતુ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. અહેવાલ મુજબ વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હતા. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન વધુ વરસાદની આગાહી કરી છે.

બેંગલુરૂની નાગરિક સંસ્થા અને ફાયર વિભાગે પાણી ભરાયેલા વિસ્તારોમાં ઈમરજન્સી ઓપરેશન શરૂ કર્યું છે. BBMPના જણાવ્યા મુજબ ભારે પવનને કારણે શહેરમાં 12 વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ હજુ 2 દિવસ વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં BBMPએ પોતાના સ્ટાફને સતર્ક રહેવા જણાવ્યું છે. રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર પાણી અવરોધ જેવી ફરિયાદો પર ઝડપથી ધ્યાન આપવા માટે તૈયાર રહવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને આકરી ચેતવણી આપતા BBMP ચીફ કમિશનર ગૌરવ ગુપ્તાએ કહ્યું હતું કે, જો લોકોને મદદ નહીં કરવામાં આવે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

- 2.5 કલાક વરસાદ વરસ્યો

બેંગલુરૂમાં ગુરૂવારે રાત્રે લગભગ 8:00 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે બેંગ્લુરૂ દક્ષિણના નીચાણવાળા વિસ્તારો કથરીગુપ્પે, બનાશંકરી અને જેપી નગરના ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. સાથે જ ભારે વરસાદને કારણે અનેક મોટા નાળા ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ પર પાણી તેજ ગતિએ વહેવા લાગ્યું હતું.

- એકનું મૃત્યુ

વીજ કરંટથી મૃત્યુ પામનાર વ્યક્તિ મંગમનપલ્લીનો રહેવાસી હતો. કહેવાય છે કે, ફળો વેચીને પોતાનું ગુજરાન ચલાવતો વસંત વીજળીના થાંભલા પર લટકતા કપાયેલા તારના સંપર્કમાં આવ્યો ત્યાર બાદ તેને વીજ કરંટ લાગ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું. બેંગલુરૂ ઈલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (BESCOM) વિરૂદ્ધ ચંદ્રલયુત પોલીસ સ્ટેશનમાં બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે બેસ્કોમના કર્મચારીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે ઘટના સમયે તે વિસ્તારમાં વીજકાપ થયો હતો.