×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લેવા સોનિયા-મમતા સહિત આ દિગ્ગજ નેતાઓનો જમાવડો

બેંગલુરુ, તા.17 જુલાઈ-2023, સોમવાર

લોકસભા ચૂંટણી-2024 પહેલા વિપક્ષો દ્વારા એકજૂટ થવાના પ્રયાસો થઈ રહ્યા છે. પટણા બાદ આજે વિપક્ષી દળોની બીજી બેઠક બેંગલુરુમાં યોજાવાની છે. આ બેઠક સાંજે 6.00 વાગે શરૂ થશે. આ બેઠક બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટલમાં 2 દિવસ યોજાશે, જેમાં 26 પક્ષો મહામંથનમાં સામેલ થવાની સંભાવના છે, ત્યારે હાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, લાલુ પ્રસાદ યાદવ સહિતના નેતાઓ બેંગ્લોર પહોંચી ગયા છે.

વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લેવા આ નેતાઓ પહોંચ્યા બેંગલુરુ

બેંગ્લોરમાં આજે શરૂ થનારી બેઠકમાં સામેલ થવા ઘણા પક્ષોના નેતાઓ પહોંચી ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, રાજદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પહોંચી ગયા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેઠકમાં સામેલ થવાના છે. ઉપરાંત નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ બેંગલુરુ પહોંચી ગયા છે. પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીન અને પક્ષના સાંસદ ટીઆર બાલૂ પણ વિપક્ષની બેઠકમાં ભાગ લેવા પહોંચી ગયા છે.


શરદ પવાર આવતીકાલે બેઠકમાં પહોંચે તેવી સંભાવના

બેંગલુરુમાં વિપક્ષની સંયુક્ત બેઠક પર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે, શરદ પવાર આજે નહીં પરંતુ કાલે બેઠકમાં હાજરી આપશે.

કર્ણાટકના CM સિદ્ધારમૈયા દ્વારા બેઠકનું આયોજન

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે જણાવ્યું કે, દેશના તમામ વિરોધ પક્ષો આજે એક નવી શરૂઆત માટે એક મંચ પર આવ્યા છે. દેશની આવતીકાલના નિર્માણ તરફ આ એક બીજું પગલું છે. મેં અને કર્ણાટકના મુખ્યમંત્રીએ આ બેઠકનું આયોજન કર્યું છે. અહીં આવવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર...

વિપક્ષની બેઠકમાં ભાગ નહીં લે જેડીએસ

બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બેઠક પર JD(S)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે, વિપક્ષે ક્યારેય જેડી(એસ)ને પોતાનો હિસ્સો માન્યો નથી તેથી જેડી(એસ)ના કોઈપણ મહાગઠબંધનની પાર્ટી હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. NDAએ અમારી પાર્ટીને બેઠક માટે આમંત્રણ આપ્યું નથી.