×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બીજી લહેર જેટલું રમખાણ નહીં મચાવે કોરોનાની ત્રીજી લહેરઃ ICMRના અભ્યાસમાં દાવો


- આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવના કહેવા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન છે કે, પ્રેગ્નેટ મહિલાઓને વેક્સિન આપી શકાય

નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર

દેશમાં કોરોનાની બીજી લહેર હળવી પડી છે પરંતુ ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે. તાજેતરમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે ચિંતા વધી છે. નિષ્ણાતોના મતે જો ત્રીજી લહેર આવી તો તેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ એક મુખ્ય કારક તરીકે કામ કરી શકે છે. ત્યારે ICMR દ્વારા ભારતમાં કોવિડ-19ની ત્રીજી લહેરની શક્યતા પર એક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે. 

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય. જોકે વેક્સિનેશનના પ્રયત્નોમાં વધારો કોરોના ઉપરાંત ભવિષ્યની અન્ય કોઈ પણ લહેરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 

અભ્યાસમાં ત્રીજી લહેરની શક્યતાઓ અંગે વાત કરતા કહેવામાં આવ્યું છે કે, સંક્રમણ આધારીત પ્રતિકારક ક્ષમતાથી ઈમ્યુનિટી કેપેસિટી સમય સાથે ઘટી શકે છે. આ સંજોગોમાં પહેલેથી સંક્રમણની હદમાં આવી ચુકેલા લોકો ફરી સંક્રમિત થઈ શકે છે. 

આઈસીએમઆરના તાજેતરના અભ્યાસ પ્રમાણે ભારતમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન પહેલાની સરખામણીએ ગર્ભવતી મહિલાઓ વધારે ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. આ વર્ષે મૃત્યુ દર અને સંક્રમિત કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. 

આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવના કહેવા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન છે કે, પ્રેગ્નેટ મહિલાઓને વેક્સિન આપી શકાય. વેક્સિનેશન પ્રેગનેન્ટ મહિલાઓ માટે ઉપયોગી છે. 

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી. આ દરમિયાન કોરોનાના દૈનિક કેસની સંખ્યાએ અનેક રેકોર્ડ બ્રેક કર્યા હતા. હવે જ્યારે દૈનિક કેસમાં ભારે ઘટાડો આવ્યો છે ત્યારે સરકારે ત્રીજી લહેરને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.