×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બીજા તબક્કામાં 61 ટકા મતદાન : પરિણામ 8મીએ


- મુખ્યમંત્રી સહિત કુલ 833 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયાં

- સૌથી વધુ 66 ટકા મતદાન સાબરકાંઠામાં, સૌથી ઓછું 53 ટકા અમદાવાદમાં : 14 જિલ્લામાં શાંતિપૂર્ણ મત પડયા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ૯૬ બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં ૬૧ ટકા અંદાજીત મતદાન થયું છે, જેમાં બે થી ત્રણ ટકાનો વધારો થઇ શકે છે. રાજ્યના ૧૪ જિલ્લામાં થયેલા આ મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ૬૧ પક્ષો ઉપરાંત અપક્ષો મળીને કુલ ૮૩૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં ૬૯ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. 

પહેલા તબક્કાની ચૂંટણીનું કુલ મતદાન ૬૪.૧૪ ટકા નોંધાયું હતું. ભારતના ચૂંટણી પંચના ફાઇનલ આંકડા આવતીકાલે આવશે ત્યારે બન્ને તબક્કાનું કુલ મતદાન ૬૩ થી ૬૫ ટકા રહે તેવી સંભાવના છે. ૨૦૧૭ની ચૂંટણીમાં કુલ મતદાન ૬૯.૬૯ ટકા થયું હતું. બીજા તબક્કા માટે કુલ ૨.૫૧ કરોડ મતદારો માટે ૨૬૪૦૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. બન્ને તબક્કાની મતગણતરી અને પરિણામ ૮મી ડિસેમ્બરે જાહેર થશે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની હાર-જીતનો ફેંસલો થશે.

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યના ૧૪ જિલ્લામાં સવારે નવ કલાકે ૪.૭૫ ટકા, ૧૧ કલાકે ૧૯.૧૭ ટકા, બપોરના એક કલાકે ૩૪.૭૪ ટકા અને ત્રણ કલાકે ૫૦.૫૧ ટકા મતદાન થયું છે. સાંજે મળેલા આંકડા પ્રમાણે સરેરાશ ૬૦ ટકા મતદાન થયું છે જે પૈકી સૌથી વધુ ૬૬ ટકા સાબરકાંઠા અને સૌથી ઓછું ૫૨ ટકા અમદાવાદ જિલ્લાનું છે.

સવારના સમયમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં મતદારોની લાઇન લાગી હતી પરંતુ બપોર પછી લાઇન ઓછી થઇ હતી. બીજા તબક્કામાં પણ ચાર ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામોમાં બહુચરાજીના બરીયફ તેમજ ખેરાલુના વરેઠા, ડાલીસણા અને ડાવોલનો સમાવેશ થાય છે.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે અમદાવાદમાં મત આપ્યો હતો. એ ઉપરાંત મુખ્યમંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરના રાયસણમાં મત આપ્યો હતો.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ સૌ પ્રથમ સવારે ૮ કલાકે ગાંધીનગરના સેક્ટર-૯માં મતદાન કરી સેક્ટર-૧૯માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. સાંજે મિડીયા સાથેની ચર્ચામાં ભારતીએ કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે ગુજરાતની ચૂંટણી પૂરી થઇ છે. લગ્નસિઝન હોવાથી ઘણાં દંપત્તિએ લગ્ન સમયમાં મતદાન કર્યું છે.

મતદાન કર્યા બાદ મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ ગાંધીનગરના સેક્ટર-૧૯માં સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. બીજા તબક્કામાં ૭૪ જનરલ, ૬ અનુસૂચિત જનજાતિ અને ૧૩ અનુસૂચિત જનજાતિની બેઠકોનો સમાવેશ થતો હતો.

ગાંધીનગરમાં ૮૨ વર્ષના વડીલોએ સમય પહેલાં સેન્ટર પર પહોંચીને મતદાન કર્યું હતું. ૮૫ વર્ષના નિવૃત્ત શિક્ષક પ્રવીણ ઓઝાએ કહ્યું હતું કે હું જીવું છું ત્યાં સુધી મતદાનની ફરજ ચૂકીશ નહીં. શિક્ષણ અને તાલીમ ભવનમાં ઇકો ફ્રેન્ડલી મથકના પહેલા મતદારો પાસે યાદગીરી રૂપે વૃક્ષારોપણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

હિંમતનગરમાં વરરાજાએ લગ્ન પૂર્વે મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. ગોધરામાં ભાજપના ઉમેદવારે તેમજ ધોળકામાં મતદારે બૂથમાં મતદાન કરતો વિડીયો વાયરલ કર્યો હતો. હિંમતનગરમાં બોગસ મતદાનની ફરિયાદો થઇ છે.

ચૂંટણી દરમ્યાન પંચમહાલના કાલોલમાં પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત ખરાબ થતાં ૧૦૮ બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાલોલમાં જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો થયાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આણંદના આંકલાવમાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું.

કલોલમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. મોટેરામાં કોંગ્રેસના ઉમેદવારના કાઉન્ટરમાં તોડફોડ થઇ હતી. દાંતાના ગૂમ થયેલા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ ચૂંટણી પંચે તેનો ઇન્કાર કર્યો હતો.

મતદાનની વધતી ટકાવારી

સવારે ૯ કલાકે

૪.૭૫ ટકા

સવારે ૧૧ કલાકે

૧૯.૧૭ ટકા

બપોરે ૧ કલાક

૩૪.૭૪ ટકા

બપોરે ૩ કલાકે

૫૦.૫૧ ટકા

સાંજે ૫ કલાકે

સરેરાશ ૬૧ ટકા


જિલ્લા પ્રમાણે મતદાન (અંદાજીત)

જિલ્લો

મતદાન (ટકા)

બનાસકાંઠા

૬૫.૧૬

પાટણ

૫૬.૯૦

મહેસાણા

૬૧.૦૧

સાબરકાંઠા

૬૫.૮૪

અરવલ્લી

૬૦.૧૮

ગાંધીનગર

૫૯.૧૪

અમદાવાદ

૫૫.૨૧

આણંદ

૫૯.૪૦

ખેડા

૬૦.૮૩

મહિસાગર

૫૪.૨૬

પંચમહાલ

૬૨.૦૩

દાહોદ

૫૫.૧૮

વડોદરા

૫૬.૭૫

છોટા ઉદેપુર

૬૨.૦૪

કુલ સરેરાશ

૬૦.૦૦