×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહાર પેટા ચૂંટણી- કોંગ્રેસને કામ ન આવ્યું કન્હૈયા ફેક્ટર, બંને બેઠકો પર ડિપોઝીટ જપ્ત


- બિહાર ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સીપીઆઈ નેતા અને જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને પાર્ટીમાં સામેલ કરાવ્યો હતો

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર, 2021, બુધવાર

બિહારની કુશેશ્વરસ્થાન અને તારાપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી અને આકરા નિવેદનો વચ્ચે બંને બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જોકે હવે પરિણામ આવી ગયું છે. પેટા ચૂંટણીમાં સત્તાધારી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ બંને બેઠકો પર કબજો જાળવી રાખ્યો છે. આરજેડીએ બંને બેઠકો પર જેડીયુને ટક્કર આપી હતી. નવી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને નવા ચૂંટણી નિશાન સાથે ચિરાગ પાસવાને પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. ચિરાગની પાર્ટી બંને બેઠકો પરથી ત્રીજા સ્થાને રહી છે અને કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ થઈ છે. 

કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનારા ઉમેદવારો જીત તો દૂર પોતાની ડિપોઝીટ બચાવવામાં પણ અસફળ રહ્યા છે. કોંગ્રેસી ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. બિહારમાં એકલા ચૂંટણી લડવાનો દંભ કરી રહેલી કોંગ્રેસ ડિપોઝીટ બચાવવા માટે જરૂરી મત પણ ન મેળવી શકી. મતની દૃષ્ટિએ કોંગ્રેસ પાર્ટી ચિરાગ પાસવાનની પાર્ટી કરતા પણ ખરાબ સ્થિતિમાં જોવા મળી. 

નિયમ પ્રમાણે કોઈ પણ ઉમેદવારે પોતાની ડિપોઝીટ બચાવવા કુલ વોટના 16.66 ટકા મત મેળવવાના હોય છે. કુશેશ્વરસ્થાન બેઠક પરથી કોંગ્રેસી ઉમેદવાર અતિરેક કુમારને 4.27 ટકા મત મળ્યા જ્યારે તારાપુર બેઠકના ઉમેદવાર રાજેશ મિશ્રાને માત્ર 2.10 ટકા મત જ મળી શક્યા. સરેરાશની રીતે જોઈએ તો પાર્ટી માત્ર 3 ટકા મતમાં જ સમેટાઈ ગઈ. 

બિહાર ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સીપીઆઈ નેતા અને જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને પાર્ટીમાં સામેલ કરાવ્યો હતો. કન્હૈયાને પાર્ટીમાં સામેલ કર્યા બાદ બિહાર કોંગ્રેસનો આત્મવિશ્વાસ એ હદે વધી ગયો કે, તેણે આરજેડી સાથેનું ગઠબંધન તોડવાનો નિર્ણય લઈ લીધો અને બંને બેઠકો પર આરજેડી વિરૂદ્ધ ઉમેદવારો ઉભા કરી દીધા. કન્હૈયાને બિહારમાં લોન્ચ કરવાની સાથે જ પ્રચાર માટે મેદાનમાં પણ ઉતારી દીધો. બંને વિધાનસભા ક્ષેત્રમાં 3-3 દિવસ સુધી કન્હૈયાએ પ્રચાર કર્યો પરંતુ તે ફેક્ટર પણ કોંગ્રેસને કામ ન આવ્યું. ઉલ્લેખનીય છે કે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં તારાપુરથી અપક્ષ ઉમેદવાર રાજેશ મિશ્રાને 10,400 મત મળ્યા હતા.