×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારમાં બદમાશો બેફામ, ડઝનથી વધુ સ્થળોએ કર્યો આડેધડ ગોળીબાર, જુઓ વીડિયો


- બાઈક પર સવાર 2 બદમાશોએ આડેધડ ગોળીબાર કરીને કુલ 11 લોકોને ભોગ બનાવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત થયું છે

બેગુસરાઈ, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર

બિહારના બેગુસરાઈમાં 2 બદમાશોએ મંગળવારના રોજ ભારે આતંક મચાવ્યો હતો. તેમણે શહેરના એક ડઝનથી પણ વધારે સ્થળોએ આડેધડ ગોળીબાર કરીને લોકોમાં દહેશત ફેલાવી હતી. આ પ્રકારે ગોળીબારની ઘટનામાં કુલ 11 લોકોને ગોળીઓ વાગી હતી જે પૈકીના એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના બાદ પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષે આ મામલે નીતીશ સરકારને ઘેરી છે. આ ઘટનાને 15થી પણ વધારે કલાકો વીતી ગયા હોવા છતાં પણ પોલીસ બંને બદમાશોની ઓળખ નથી મેળવી શકી. 

હાઈવે પર અનેક ઠેકાણે ફાયરિંગ કરીને બંને બદમાશોએ લોકોને ડરાવી દીધા હતા અને આ બદમાશોને પકડવા માટે પટના સહિત 6 જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી છે. સીસીટીવી ફુટેજ પ્રમાણે ગોળીબાર બાદ તેઓ પટના તરફ ભાગી ગયા હતા. 

જાણો શું છે સમગ્ર ઘટના

બિહારના બેગુસરાઈમાં મંગળવારે સાંજે 5:30 કલાકે 2 બદમાશો બાઈક લઈને નેશનલ હાઈવે 28 પર નીકળી પડ્યા હતા. 47 મિનિટ સુધી ચાલેલા આ ખૂની ખેલમાં તેમણે એક બાદ એક એમ અનેક ઠેકાણે આડેધડ ગોળીબાર કર્યો હતો. આ કારણે કુલ 11 લોકોને ગોળીઓ વાગી હતી જેમાં ચંદનકુમાર નામના એક શખ્સનું મોત થયું છે. ત્યાર બાદ તેમના પરિવારજનોએ પોલીસ સ્ટેશન બહાર હંગામો કર્યો હતો અને તેમને સમજાવટથી શાંત પાડવામાં આવ્યા હતા. તે સિવાય હોસ્પિટલમાં દાખલ 6 લોકોની સ્થિતિ ગંભીર છે. 


એક બાદ એક એમ તમામ ઘાયલોને બેગુસરાઈની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આખા શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. ફુલવરિયા બછવાડા, તેઘડા અને ચકિયા થાણા વિસ્તારોમાં આ પ્રકારે ફાયરિંગની ઘટનાઓ બની હતી.  

ત્યાર બાદ પોલીસે સમગ્ર શહેરને સીલ કરી દીધું છે અને એસપીથી શરૂ કરીને આઈજી સુધીના અધિકારીઓ રસ્તા પર તૈનાત થઈ ગયા છે. તે સિવાય આજુબાજુના જિલ્લાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અનેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક અનેક ઠેકાણે દરોડા પણ પાડ્યા હતા પરંતુ બદમાશોને શોધવામાં કોઈ સફળતા નથી મળી.

ભાજપે આપ્યું બંધનું એલાન

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, જ્યારે ગુનેગારો બેખોફ બની જાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે. અપરાધીઓએ 30 કિમીના ક્ષેત્રમાં 10 લોકો પર ગોળીબાર કર્યો પણ પોલીસ તેમને પકડી ન શકી. આ ઘટનાના વિરોધમાં ભાજપ દ્વારા બેગુસરાઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ જણાવ્યું કે, બિહારના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે. બિહારમાં કાયદા-વ્યવસ્થા અંગે સવાલો થતા રહે છે પરંતુ મંગળવારની ઘટના સુશાસનના દાવાની પોલ ખોલે છે. ઘટનાના 15 કલાક વીતી જવા છતાં પોલીસના હાથ ખાલી જ છે.