×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારઃ સ્પિરિટમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો લઠ્ઠો, 50 જગ્યાઓએ દરોડા, 19ની ધરપકડ


- જો આ મામલે કોઈ પણ પોલીસ કર્મચારીની બેદરકારી સામે આવી તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 06 નવેમ્બર, 2021, શનિવાર

બિહારના ગોપાલગંજ અને પશ્ચિમી ચંપારણમાં છેલ્લા 2 દિવસમાં ઝેરી દારૂ પીવાના કારણે 24 લોકોના મોત થયા છે. આ ઘટનાઓ બિહારમાં દારૂબંધીના દાવાઓની પોલ ખોલી રહી છે. બિહારમાં છેલ્લા 15 દિવસમાં 40 લોકોના મોત થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનાઓને લઈ આકરૂં વલણ અપનાવીને દોષીતો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

નીતિશ કુમારે શુક્રવારે લઠ્ઠાકાંડમાં થઈ રહેલા મૃત્યુને લઈ હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી અને સંબંધિત અધિકારીઓને આકરી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ તેમણે અધિકારીઓને દોષી અધિકારીઓને ઓળખીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. 

આ તરફ ગોપાલગંજના જિલ્લાધિકારી ડો. નવલ કિશોર ચૌધરીએ 11 લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે સ્પિરિટ વડે દારૂ બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જોકે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સાચી વિગત જાણી શકાશે. લોકોના નિવેદનો પ્રમાણે ઝેરી દારૂના કારણે મૃત્યુ થયા છે પરંતુ હજુ તેની સત્તાવાર પૃષ્ટિ ન કરી શકાય. 

ગોપાલગંજના એસપી આનંદ કુમારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં શરાબ વિરૂદ્ધ અભિયાન ચલાવાયા અને 50 કરતા વધારે જગ્યાએ દરોડો પાડીને 19 લોકોની ધરપકડ કરવામાં આવી. તે સિવાય 270 લીટર દેશી દારૂ અને 6 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જો આ મામલે કોઈ પણ પોલીસ કર્મચારીની બેદરકારી સામે આવી તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.