×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિલ ગેટ્સે ભારતના ડિજિટલ નેટવર્કની કરી પ્રશંસા, કહ્યું અહીં સૌથી સસ્તું હશે 5G માર્કેટ

નવી દિલ્હી, તા.1 માર્ચ-2023, બુધવાર

માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે બુધવારે જણાવ્યું કે, ભારતમાં શ્રેષ્ઠ ડિજિટલ નેટવર્ક અને સારી કનેકટીવીટી સાથે સ્માર્ટફોનનો ઘણો ઉપયોગ થાય છે. બિલ ગેટ્સે કહ્યું કે, ભારત સૌથી સસ્તું 5G માર્કેટ હશે. ભારતની G20 અધ્યક્ષતામાં બુધવારે અહીં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. તેમણે ભારતના સ્પર્ધાત્મક ખાનગી બજાર, વિશ્વસનીય અને ઓછા ખર્ચે કનેક્ટિવિટીની ભરપુર પ્રશંસા કરી જણાવ્યું કે, ભારતનું 5G માર્કેટ સૌથી સસ્તું હશે. તેમણે કહ્યું કે ભારતમાં શ્રેષ્ઠ ડિજિટલ નેટવર્ક છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા પણ વધુ છે.

બિલ ગેટ્સે મનસુખ માંડવિયા અને રતન ટાટા સાથે કરી મુલાકાત

બિલ ગેટ્સ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વિટ કર્યું કે, બિલ ગેટ્સે કોરોના મેનેજમેન્ટ, વેક્સીનેશન અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન જેવી ભારતની ડિજિટલ સ્વાસ્થ્ય પહેલોની પ્રશંસા કરી હતી. અમે G20માં ભારતની આરોગ્ય પ્રાથમિકતાઓ, PM ભારતીય જનઔષધિ પરિયોજના અને ઈ-સંજીવની વિશે ચર્ચા કરી હતી.

મજબુત ડિજિટલ ટેકનોલોજી

આ પ્રસંગે ટેલિકોમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 2023ને ઐતિહાસિક વર્ષ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ડિજિટલ ટેકનોલોજી હવે મજબુત બની ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 5G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મુખ્ય ટેકનોલોજી બનવા માટે સજ્જ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતે ડિજિટલ અર્થતંત્ર માટે શ્રેષ્ઠ માળખું બનાવ્યું છે, જે લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

બિલ ગેટ્સની સચિન તેંડુલકર સાથે મુલાકાત

હાલ બિલ ગેટ્સ ભારતના પ્રવાસે છે. બિલ ગેટ્સે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. બિલ ગેટ્સે આ બેઠકની તસવીરો તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરી છે. ઉલ્લેખનિય છે કે, સચિન તેંડુલકર ઉપરાંત બિલ ગેટ્સે મંગળવારે ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ સાથે મુલાકાત કરી હતી.