×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિપરજોય વાવાઝોડાંએ રાજ્યમાં સર્જેલા વિનાશની ડરામણી તસવીરો, થાંભલા-વૃક્ષો થયા ધરાશાયી


ગત રાત્રીના બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ટકરાયું હતું અને મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન અતિ ઝડપે પવન ફૂંકાયા હતા અને ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે રાજ્યમાં ચારે તરફ નુકસાન થયુ હતું. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે અનેક વૃક્ષો અને ધરાશાયી થયા હતા. સાથે જ હોર્ડિંગ્સ અને શેડ્સ પણ ઉડી ગયા હતા. જોકે હજુ પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આજે સવારે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જુઓ વાવાઝોડાને લીધે વિનાશની તસવીરો.


બિપરજોય વાવાઝોડાની અસર દ્વારકા અને ઓખામાં વધુ જોવા મળી હતી અને ઓખાની જેટી પરની કેબિનો ભારે પવનને કારણે ઉડી ગઈ હતી તેમજ અમુક કેબિનો પર ભારે નુકસાન થઈ હતી. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.


બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં 834 વીજ પોલ ધરાશાયી થયા હતા જેના પગલે 246 ગામોમાં અંધારપટ છવાયો ગયો હતો. જો કે જિલ્લામાં વિજપોલ ધરાશાયી થતા PGVCLની ટીમે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી 375 પોલ ઉભા કરી નાખ્યા હતા. જિલ્લામાં હજુ 459 પોલ ઉભા કરવાના બાકી છે.


બિપરજોય વાવાઝોડાના કારણે જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરામાં એક વૃક્ષ કાર પર ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


અમરેલીના રાજુલા તાલુકાના મોરંગી ગામ વાવાજોડામાં પ્રભાવિત થયો હતો. ગામમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો જેના પગલે 20થી વધુ મકાનોમાં તારાજી સર્જાય હતી. મકાનોના નળિયાઓ ઉડી ગયા હતા તેમજ દીવાલો ધરાશય થતા 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જિલ્લામાં દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.


બિપરજોય વાવાઝોડાના કારણે ભુજ-નખત્રાણા હાઈવે પર ભારે પવન ફૂંકાયો હતો. જેમા ગઈકાલે ભુજ-નખત્રાણા હાઇવે પર ગત રાત્રીના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાહનવ્યવહાર પર અસર થઈ હતી. આ ઉપરાંત નખત્રાણાના સાંગનારામાં ફાટક પાસે વૃક્ષો ધરાશાયી થયા હતા.


બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી હતી જેથી જિલ્લાની ફોરેસ્ટ ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષો તાત્કાલીક અસરથી દૂર કરવાની કામગીરી કરી હતી. 25 ટીમો દ્વારા પાટણવાવથી માણાવદર રોડ, તોરણીયા મોટી પરબડી રોડ, જામકંડોરણા - ગોંડલ રોડ, કાગવડ - જેતપુર રોડ, ઘોઘાવદર ગોંડલ બાયપાસ રોડ સહિત અત્યાર સુધીમાં આશરે 70થી વધુ ધરાશાયી થયેલ વૃક્ષોને દૂર કરીને રસ્તાઓ ક્લીઅર કરવામાં આવ્યો હતો.


બિપરજોય વાવાઝોડાથી સુરેન્દ્રનગર જિલ્લામાં 100થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા જેમા શહેરી વિસ્તારમાં 28 વીજપોલ અને 1 ટીસી ધરાશાય થયુ હતું જ્યારે લીંબડી તાલુકામાં 20, ધ્રાંગધ્રામાં 57 વીજપોલ અને 1ટીસી ધરાશાય થયુ હતું. જો કે PGVCL ટીમ દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.